મંગળવારે ત્રીજા તબક્કાની ચૂંટણીમાં લોકસભાની 282 બેઠક પર મતદાન પૂર્ણ થયું છે ત્યારે આજે શેરબજારમાં ચૂંટણીમાં અણધાર્યા પરિણામનો ભય ફેલાઈ જતાં મોટા કડાકા નોંધાયા હતાં. શેરબજારના બન્ને સુચકાંક સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર પ્રોફીટ બુકિંગ નોંધાયું હતું. આ ઉપરાંત વિદેશી રોકાણકારોએ ગઈકાલ સુધીમાં 15863 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધાના સમાચારથી બજારને પડ્યા પર પાટુ લાગ્યું હતું.
આજે સેન્સેક્સમાં 1094 પોઈન્ટનો કડાકો નોંધાયો હતો અને નિફ્ટીએ પણ અગત્યનું 22 હજારનું લેવલ તોડી નાખ્યું હતું.
આજે સતત પાંચમાં દિવસે બજારમાં વેચવાલી જોવા મળી હતી. ગઈકાલે 73,466ના લેવલ પર બંધ થયેલ સેન્સેક્સ આજે 33 પોઈન્ટ વધીને 73,499 પોઈન્ટ ઉપર ખુલ્યો હતો. પરંતુ સતત વેચવાલીથી એક તબક્કે સેન્કેસ્કસ 1,111 પોઈન્ટ તુટીને 72,388ના તળિયે પહોંચી ગયો હતો. નિફ્ટીમાં પણ આજે જોરદાર વેચવાલીથી 22 હજારનું સપોટ લેવલ તુટી ગયું હતું.
ગઈકાલના 22,302ના બંધથી નિફ્ટી આજે સવારે 78 પોઈન્ટ ઘટીને 22,224 પર ખુલી હતી. બાદમાં ગઈકાલના બંધથી પાંચ પોઈન્ટ વધીને 22,307 સુધી પહોંચી ગઈ હતી. પરંતુ જોરદાર વેચવાલીથી દિવસના તળિયેથી નિફ્ટી 355 પોઈન્ટ તુટીને 21,952 લો સુધી પહોંચી ગઈ હતી.
સેન્સેક્સ અને નિફ્ટી સહિત મોટાભાગના સ્ટોક્સ ઓવર વેઈટેડ થયા છે. જેના પગલે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે વિદેશી રોકાણકારોએ ગઈકાલે સૌથી વધુ 6669.10 કરોડની વેચવાલી સાથે મે માસમાં અત્યાર સુધી કુલ 15863.14 કરોડની વેચવાલી નોંધાવી છે. આ ઉપરાંત એપ્રિલમાં સુસ્તી બાદ આઈપીઓ માર્કેટમાં ચહલપહલ વધતાં સેકેન્ડરી માર્કેટનું રોકાણ પ્રાઈમરી માર્કેટ તરફ ડાયવર્ટ થયું લોકસભા ચૂંટણી 2024માં અપેક્ષિત પરિણામો વચ્ચે ભાજપની સીટ્સ અગાઉના અંદાજ કરતાં ઘટવાની ભીતિ સાથે સાવચેતીનું વલણ જોવા મળી રહ્યું છે. માર્કેટ નિષ્ણાતના મતે, લોકસભા ચૂંટણીના પરિણામો સુધી સ્ટોક માર્કેટમાં કોન્સોલિડેશન જારી રહેશે.