માણસા તાલુકાના દેલવાડા ગામના અંબાજીવાસમાં રહેતા બે ભાઈઓએ ગામનો જ યુવક ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હોવાની શંકા રાખી તે યુવકને નગ્ન કરી નનામી સાથે બાંધી દીધો હતો. બાદમાં નનામીને વડલાના ઝાડ સાથે બાંધી યુવકને ધોકા – પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તાલિબાની સજાના બનાવના પગલે માણસા પોલીસે બંને હત્યારા ભાઈઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવક ઘરે એકલો રહી છૂટક મજૂરી કરતો હતો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં યુવકને તાલિબાની સજા આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતાં ચકચાર મચી ગઈ છે. માણસાના દેલવાડા ગામના અંબાજીવાસમાં રહેતા ભીખાજી હેમતાજી ઠાકોર દેલવાડા સહકારી મંડળીમાં અનાજ તોલવાની છેલ્લાં પંદર વર્ષથી નોકરી કરે છે. જેમના મોટા બાપા મથુરજીને ત્રણ દીકરા હતા. જેમા બે દીકરા અગાઉ બીમારીના કારણે મરણ ગયેલ હતા. એક દીકરો કાળાજી ઉર્ફે મોહનજી ઠાકોર(ઉ. 40) હતો. જેનાં લગ્ન થયાં ન હતાં. જે જૂના ઠાકોર વાસમાં તેના ઘરે એકલો રહી છૂટક મજૂરી કામ કરતો હતો.
ગઈકાલે ભીખાજી સહકારી મંડળીમાં હાજર હતા. એ વખતે સમાચાર મળ્યા હતા કે, ગામના અજયજી મંગાજી ઠાકોર તથા તેના ભાઇ પ્રકાશ મંગાજીએ નવા ઠાકોરવાસના નાકે કાળાજી ઉર્ફે મોહનજી ઠાકોરને નગ્ન કરી નનામી સાથે વડલાના ઝાડ સાથે બાંધી લાકડાના ધોકા તથા પથ્થરોથી માર મારી કરપીણ હત્યા કરી દીધી છે. પોતાના પિતરાઈ ભાઈની હત્યા થઈ હોવાનું જાણીને ભિખાજી દોડતાં દોડતાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
જ્યાં વડલા પાસે ગામના ઘણા માણસો ભેગા થયેલા હતા. ઝાડ જોડે લોહીના ડાઘાવાળી નનામી તેમજ કાળાજીની નાઈટી પડી હતી. પરંતુ બન્ને હત્યારા કે કાળાજી જોવા મળ્યા હતા. બાદમાં ભિખાજીએ સ્થાનિકોની પૂછતાછ કરતાં જાણવા મળેલ કે, તેમનો પિતરાઈ ભાઈ કાળુજી ગઈકાલે બપોરના સમયે અજયજી ઠાકોરના ઘરે ગયો હતો. જેથી તે ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હોવાની શંકા રાખી અજય અને તેના ભાઈ પ્રકાશજી મંગાજી ઠાકોરે કાળુજીને નગ્ન કરી નનામી સાથે બાંધી દીધો હતો. બાદમાં નનામી વડલાના ઝાડ જોડે બાંધી કાળુજીને ધોકા-પથ્થરોનો વરસાદ વરસાવ્યો હતો.
આ જાણીને ભિખાજી પોતાના પિતરાઈ ભાઈ કાળુજીને શોધવા માટે અજય ઠાકોરના ઘરે ગયા હતા, પરંતુ ત્યાં પણ કોઈ નહોતું. આ અરસામાં તેમના મોટા ભાઇ રામભાઇ પણ ત્યાં દોડી આવ્યા હતા. જેઓ કાળુજીને આસપાસના વિસ્તારમાં શોધી રહ્યા હતા. આ દરમિયાન અજય અને પ્રકાશ ઈકો ગાડીમાં ગંભીર હાલતમાં કાળુજીને લઈ ગામમાં પ્રવેશ્યા હતા. આ જોઈ તુરંત ભિખાજી ગાડી પાસે દોડી ગયા હતા. અને જોયેલ તો કાળુજીને જમણી આંખ તેમજ શરીરે ઈજાનાં નિશાનો હતાં.
ઉપરાંત જમણી આંખની બાજુમાં ઘા પડેલ હતો અને લોહી નીકળતું હતું. જમણા કાન ઉપર કાપો પડેલ હતો. જેનાં કપડાં પણ બદલાવી દેવાયાં હતાં. કાળુજી બેભાન હાલતમાં હતો. આથી તેને તાત્કાલિક માણસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે કાળુજીને ગંભીર ઈજાઓ થવાથી મૃત જાહેર કર્યો હતો. દેલવાડા ગામમાં તાલિબાની સજા આપી યુવકને પતાવી દેવાયો હોવાની જાણ થતાં જ કલોલ ડિવિઝનના ડીવાયએસપી પી ડી મનવર તેમજ માણસા પોલીસ મથકના પીઆઈ પી જે ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ગામમાં દોડી જઈ ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંગે ડીવાયએસપી પી ડી મનવરે જણાવ્યું હતું કે,
ઘરમાં ચોરીની શંકા બાબતે પ્રાથમિક તપાસ કરતાં મરનાર
આરોપીના ઘરે આવતો જતો હતો. મરનાર માનસિક રીતે
થોડો અસ્થિર હતો. આરોપીની વૃદ્ધ માતા બીમારીના કારણે
પથારીવશ છે. જેઓને નાકમાં નળીઓ લગાવેલી રાખેલ
છે. ગઈકાલે બંને ભાઈઓ બહાર હતા. એ વખતે કાળુજી
ઘરે ગયો હતો. બાદમાં પથારીવશ વૃદ્ધાની નળીઓ કાઢવાની
કોશિશ કરતો હતો. એ વખતે અજયની પત્ની પહોંચી
ગઈ હતી. જે વાત તેણે બંને ભાઈઓને કરી હતી. બાદમાં
બંને ભાઈઓએ કાળુજી નનામી સાથે બાંધી ધોકા-પથ્થરો
માર્યા હતા. જેથી કાળુજી અધમૂઓ થઈ ગયો હતો. જેને
પગલે બંને જણાં તેને ઈકો ગાડીમાં સારવાર કરાવવા લઈ
ગયા હોવાની થિયરી પણ સામે આવી રહી છે. જો કે, આ
બાબતે અમે પાડોશીઓ સહિતના લોકોની વધુ પૂછતાછ કરી
આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.