સહકારી ક્ષેત્ર અને ભાજપ સંગઠન વચ્ચેની તિરાડ વધુ પહોળી થઈ ઇફ્કોના ગુજરાતના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયા વિજેતા થયા.
જયેશ રાદડિયાનું મંત્રીપદ ગયું, તેને પોરબંદર લોકસભાની ટિકિટ ન મળી એટલે ઇફકોના ડિરેકટરની ચૂંટણી તેમના માટે ‘ડુ ઓર ડાઇ’ જેવી હતી. બે ટર્મથી ડિરેકટર પદે રહેલા રાદડિયા આ પદ બચાવવા કેન્દ્રીય નેતાઓના શરણે ગયા હતા અને ત્યાંથી તેને રાહત મળી હતી. મેન્ડેટ આપનાર પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલને સીધી ચેલેન્જ આપી ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ બળાપો ઠાલવેલો અને ખુદ જયેશ રાદડિયાએ પણ કેન્દ્રીય ગૃહ મંત્રી તાજેતરમાં ચૂંટણી સભા વખતે તેમના નિવાસ સ્થાને આવ્યા ત્યારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાક્રમો વચ્ચે આજે આવેલા પરિણામને ‘ઘી ઢોળાયું તો ખીચડીમાં જ’ એવું કહેવાની સાથે આ પરિણામમાં પ્રદેશ ભાજપની સ્પષ્ટ હાર થયાનું ચિત્ર ઉપસી રહ્યું છે.
લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને જીતાડવાના અભિયાનમાં અંદરખાને સહકારી ક્ષેત્રમાં ભારે હલચલ વ્યાપેલી હતી. ઇફ્કોના ડિરેક્ટર પદે જયેશ રાદડિયાએ ટર્મ પૂરી થતાં ફોર્મ ભર્યું ત્યાં સુધી બધું રૂટિન ચાલતું હતું પરંતુ 3 દિવસ બાદ પ્રદેશ ભાજપે સહકાર સેલના સંયોજક બિપિન ગોતાને મેન્ડેટ જાહેર કરતા ખળભળાટ મચી ગયેલો.
પ્રદેશ ભાજપમાં પાટિલના સૂકાન બાદ મેન્ડેટની પરંપરાને પાળવામાં આવશે કે કેમ? તે સવાલ આ વખતે પેચિદો બની ગયો કારણ કે જીતવા માટે બહુમતી સભ્યો રાદડિયાની તરફેણમાં હતા, રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન અને સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રના ટોચના નેતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર હોવાના કારણે તેનું પત્તુ કપાતા આ વખતે પાર્ટી લાઇનને ફગાવી તેણે ઉમેદવારી ચાલુ રાખી. વિઠ્ઠલભાઈના નિધન બાદ જયેશ રાદડિયાનું મંત્રીપદ ગયું ત્યારે તેણે કોઇ વિરોધ ન્હોતો દર્શાવ્યો, સહકારી ક્ષેત્રમાં વિરોધી જૂથે ‘ઉપર’ના ઈશારે કાવાદાવા કર્યા અને એક વખત તો તેના જ ગામ જામકંડોરણામાં વડાપ્રધાનની જાહેરસભા યોજાઈ ત્યારે તેમના માતુશ્રાીએ પીએમને પુત્ર માટે આશીર્વાદ આપવા અપીલ કરેલી. આ ઘટનાક્રમો વચ્ચે ઇફ્કોમાંથી પણ પત્તુ કપાય તેની સામે રાદડિયાએ તાજેતરમાં જામકંડોરણા ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ પણ પોતાની વ્યથા દર્શાવેલી. એ સમયે લોકસભા ચૂંટણી પ્રચાર ચાલતો હોઈ જાહેરમાં કોઇ બાબત બહાર આવી ન હતી, જામકંડોરણાની જાહેર સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્વ.વિઠ્ઠલભાઇ રાદડિયાના સહકારી ક્ષેત્રમાં પ્રદાનની વિસ્તૃત રીતે સરાહના કરી હતી. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય નેતાગીરીએ રાદડિયાને ઇફ્કોમાં રેડ સિગ્ન ન આપતા પ્રદેશ ભાજપના મેન્ડેટવાળા ઉમેદવાર સામે રાદડિયાની ટક્કર થઈ અને રાદડિયાએ 180 મતદારોમાંથી 114 મત મેળવી બમ્પર જીત મેળવી પાટિલ સામે સવાલ સર્જ્યો છે. ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાદડિયાની સાથે રહી પ્રદેશ ભાજપની નીતિરીતિની આકરી ઝાટકણી કાઢી છે.
આજે દિલ્હીમાં વિજય બાદ રાદડિયાએ કહ્યું કે આ જીત બહું મોટી છે. અહીં પક્ષનો સિમ્બોલ નથી હોતો. દિલીપ સંઘાણીએ વિજય બાદ કહ્યું કે સહકારી ક્ષેત્રમાં લોકશાહી મજબૂત બને તેવું આ પરિણામ છે.