અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે બપોરે 4 વાગ્યે 150 મુસાફરો ભરેલી ઇન્ડિગો ફ્લાઈટ લેન્ડ થઈ અને તેનું ટાયર ફાટી ગયું હતું. 150 મુસાફરો ભરેલી ફ્લાઈટ અચાનક રનવે પર રોકાઈ જતાં મુસાફરોમાં ડરનો માહોલ સર્જાયો હતો. આ વાતની જાણ ફ્લાઇટના પાયલોટને થતાં તેણે એટીસીને જાણ કરી હતી. આટલા બધા મુસાફરો ફ્લાઈટમાં હતા અને બીજી તરફ ફ્લાઈટ અચાનક ઉભી રહી જતાં તેના માટે અમદાવાદ એરપોર્ટ તરફથી ઇમર્જન્સી કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ મુસાફરોને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
બેંગ્લોરથી અમદાવાદ આવતી ઇન્ડિગો ફ્લાઈટ આજે બપોરના 4 વાગ્યે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર લેન્ડ થઈ હતી. ત્યારે કંઈ અજુબતું બન્યું હોવાનો અણસાર આવી ગયો હતો કારણ કે, ફ્લાઇટ રનવે પર અચાનક રોકાઈ ગઈ હતી અને ટાયર આખું ફાટી ગયું હતું. અંદર બેસેલા મુસાફરોને પણ કંઇક બન્યું હોય તેવો ડર લાગી રહ્યો હતો. તેવા સમયે જ આ વાતની થોડી જાણ ફ્લાઈટના પાયલોટને થઈ અને તાત્કાલિક એટીસીનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ એરપોર્ટ ઓથોરિટી તરફથી તમામ ઇમર્જન્સી વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દેવામાં આવી હતી. પરંતુ અંદર બેસેલા મુસાફરો ફફડી ઉઠ્યા હતા.
આ તરફ ઇમર્જન્સી કોલ મળતા જ તાત્કાલિક બીજી ફ્લાઇટને રનવેથી હટાવીને ટેક્સી વે પર ડાઇવર્ટ કરવામાં આવી હતી. જ્યારે ટાયર ફાટવાના કારણે પ્લેન એક જગ્યાએ રોકાઈ ગયું હતું અને તે સમયે પ્લેન રનવે પાસે હતું. એટલે તાત્કાલિક તેને ખસેડવાની પણ ફરજ પડી હતી. તે માટે એક્સપોર્ટની ટીમ તાત્કાલિક ફ્લાઈટ પાસે પહોંચી ગઈ હતી અને પેસેન્જરને ફ્લાઈટમાંથી બહાર કાઢવા અને ફ્લાઈટના ટાયર ચેન્જ કરવા સુધીની પ્રક્રિયા હાથ ધરી હતી. બીજી તરફ આ સમયે અન્ય ફ્લાઈટ પણ અવરજવરનો સમય હોવાથી અન્ય ફ્લાઈટને ટેક્સી વે તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ફ્લાઈટનું ટાયર ફાટી ગયાની જાણ થયાના ગણતરીની મિનિટમાં જ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી અને પેસેન્જરને સલામત રીતે લઈ જવા માટેની તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.