લોકોને સારો ખોરાક મળી રહે તે ખુબ જ આવશ્યક છે, જો સારો ખોરાક ખાવા ના મળેસ્થ્ય ખરાબ થઈ શકે છે. પરંતુ અત્યારે લોકો થોડાક પૈસાની લાલચે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અત્યારે મહેસાણા જિલ્લાના ઊંઝા (Unjha) તાલુકામાં ભેળસેળ વાળી વરીયાળી બનાવતી એક પેઢી ઝડપાઈ છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને સફળતા મળી છે. સમગ્ર કાર્યવાહીમાં કૂલ 2 નમુના લેવામાં આવ્યા છે અને અખાદ્ય લીલો કલર સહિત વરીયાળીનો આશરે 12 ટન જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ.12 લાખથી વધુ થાય છે, તે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પેઢીના ભાડા કરાર મુજબ છેલ્લા 5 દિવસથી જ કાર્યરત કરવામાં આવેલ હતી અને સ્થળ ઉપર કોઈ પણ પ્રકારના ખરીદ કે વેચાણ બિલ મળેલ નથી.
કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે વખતો વખત કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા વર્તુળ કચેરી દ્વારા ઊંઝા (Unjha) તાલુકામાં ભેળસેળ વાળી વરિયાળી બનાવતી પેઢી ની માહિતી મળતા તે પેઢીની બે દિવસ સુધી રેકી કરેલ અને ત્યારબાદ માહિતીની ખાતરી થયા બાદ ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે, ઊંઝા (Unjha) તાલુકામાં આવેલ ‘મે. શ્રી વિષ્ણુ ટ્રેડર્સ, મ્યુ સે. ન-1/10/43, એસ. એલોન ની પાછળ, હાઈ વે રોડ, તા. ઊંઝા, જિ. મહેસાણા’ ખાતે તપાસ દરમિયાન પેઢીમાં હાજર વ્યક્તિ રાજપૂત નારણસિંહ પહાડજી દ્વારા તેઓ પોતે પેઢીના જાતે માલિક હોવાનું જણાવતાં, તેઓની હાજરીમાં ઝીણવટ ભરી તપાસ કરતા કરવામાં આવી હતી. પેઢીમાં જોવા મળેલ અખાદ્ય લીલો કલર અને વરિયાળીના આધારે વરીયાળીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતાં ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા કુલ 2 નમુના, 01) વરિયાળી (લુઝ) અને 02) અખાદ્ય લીલો કલર (લુઝ) પૃથક્કરણ સારૂં વેચાણ લેવામાં આવ્યો છે. વધુમાં, બાકી રહેલ આશરે 12 ટન જથ્થો કે જેની કિંમત રૂ. 12 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. જેથી તંત્ર દ્વારા તમામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ તમામ ઉપરોક્ત નમુના પૃથક્કરણ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ નમુનાના પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.