વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાત મોડલ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. વર્ષ 2022 માં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે ગુજરાત મોડલ પર કામ કરાયુ હતું. આ માટે ગુજરાતના દિગ્ગજ નેતાઓએ આ રાજ્યોમાં જઈને પ્રચાર કર્યો હતો. જેમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાતી નેતાઓનો જાદુ છવાયો હતો અને ભાજપે જીતના પરચમ લહેરાવ્યા હતા.
ત્યારે ભાજપ ફરી એકવાર લોકસભા ચૂંટણીમાં ગુજરાતના નેતાઓને અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ઉતારવા જઈ રહ્યું છે. ગુજરાતના નેતાઓની આખી ફૌજ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં ઉતરશે. આમ, ગત વિધાનસભાની જેમ હવે ભાજપ લોકસભામાં પણ ગુજરાત મોડલ પર રમશે.
પ્રધાનમંત્રીના સંસદીય વિસ્તાર વારાણસીમા ચૂંટણી પ્રચારની જવાબદારી ગુજરાત ભાજપના નેતાઓને સોંપાઈ છે. ગુજરાત ભાજપના 30 થી 35 નેતાઓ વારાણસી ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા છે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ, ગોરધન ઝડફીયા, ભરત ડાંગર વારાણસીમાં જશે. વારાણસી લોકસભા અંતર્ગત આવતી અલગ અલગ વિધાનસભામા પ્રચાર માટેની જવાબદારી ગુજરાતના નેતાઓને સોંપવામાં આવી છે. આગામી 13 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારણસીમા ભવ્ય રોડ શો કરવાના છે. વારણસી લોકસભા સીટ પર 14 મેં ના રોજ પ્રધાનમંત્રી ઉમેદવારી ફોર્મ ભરશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાના છેલ્લા તબક્કામાં 1લી જૂનના રોજ મતદાન થશે.
ગુજરાતમા લોકસભા ચુંટણી બાદ પ્રદેશ ભાજપના નેતાઓ દેશમા પક્ષ માટે અન્ય રાજ્યમાં પ્રચાર માટે જશે. મંત્રી કુવરજી બાવળીયાને કોલકત્તામા જવાબદારી સોંપાઈ છે. તેઓ દક્ષિણ કોલકાતા લોકસભામાં કામગીરી કરશે. ત્યારે હવે અન્ય નેતાઓને પણ જવાબદારી સોંપાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 માં મધ્યપ્રદેશની ચૂંટણીની સમગ્ર રણનીતિ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તૈયાર કરાઈ હતી. જેમાં આ વખતે પણ ગુજરાતના ધારાસભ્યોને મધ્ય પ્રદેશ મોકલાયા હતા. ચાર રાજ્યોની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રના પસંદ કરાયેલા ધારાસભ્યોને ભોપાલમાં વિશેષ તાલીમ આપવામાં આવી હતી. જેના બાદ તેમને ચૂંટણી પ્રચારમાં મેદાનમાં ઉતારાયા હતા. એક સપ્તાહ સુધી તમામે સીટની માહિતી એકત્ર કરી હતી, જેના બાદ તેઓએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેને ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના 48 ધારાસભ્યોને મધ્ય પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુજરાતના ધારાસભ્યનો દરેક સીટ દીઠ નામ નક્કી કરાયા હતા. જેના માટે તેઓએ મધ્ય પ્રદેશમાં રહીને કામ કર્યુ હતું. આમ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની જીત પર પડદા પાછળ ગુજરાત મોડલ છે. જોકે, બીજી તરફ ગુજરાત મોડલ કર્ણાટકમાં તો ફેલ ગયુ હતું, પરંતું મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં સફળ રહ્યું હતું.