સોરઠમાં વધુ એક વખત ગેંગ વોરમાં બેવડી હત્યાની ઘટના બની છે. વંથલીના રવની ગામે કુખ્યાત રફીક સાંઘ અને તેના પુત્ર જીહાલની 7 જેટલા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. મૃતક જીહાલે 1 વર્ષ પૂર્વે થયેલી હત્યામાં બાતમી આપી હોવાથી તેનો બદલો લેવા આ ખૂની ખેલ ખેલાયો હતો. બે મુસ્લિમ જૂથ વચ્ચે ચાલતી આ ખૂની લડાઈમાં આ ચોથી હત્યા થઇ છે.
આ બનાવની જાણ થતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા તેમજ વંથલીના PSI વાય. બી. જાડેજા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવમાં 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો છે.
જૂનાગઢના વંથલી તાલુકાના રવની ગામે વાડીએથી ઘરે પરત જતા રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેનો પુત્ર જિહાલ સાંધ ઉપર 7 શખ્સોએ 2થી 3 રાઉન્ડ ફાયરીંગ કરી હત્યા કરી હતી. આ બનાવની જાણ પોલીસ થતા ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે બંન્નેના મૃતદેહનો કબજો લીધો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. વંથલીના રવની ગામે છેલ્લા ઘણા વર્ષથી ગેંગ વોર ચાલે છે. જેમાં કુખ્યાત જુસબ અલ્લારખા અને રફીકભાઈ આમદભાઈ સાંધ ગેંગ વચ્ચે ચાલતી ગેગ વોરમાં આ ચોથી હત્યા છે.
હત્યા સિલસિલો 13 વર્ષ પૂર્વે શરુ થયો હતો. જેમાં જુસબ અલ્લારખા ગેંગ દ્વારા લતીફના પિતાની અબ્દુલ ઉર્ફે અબડોની હત્યા કરી હોવાથી આ હત્યાનો બદલો લેવા લતીફ અલ્દુલ સાંધ અને તેનો મિત્ર મુસ્તાફ હનીફે 1 વર્ષ પૂર્વે ધૂળેટીની રાતે સલીમ સાંધની હત્યા કરી હતી. લતીફે પિતાની હત્યાનો બદલો લેવા ખુલ્લા પગે ચાલવાની માનતા રાખી હતી. જે માટે સલીમની હત્યા કરી નાખી હતી. સલીમ પર ધડાધડ ગોળીઓનો વરસાદ કરીને આરોપીઓ તે મર્યો નહીં ત્યાં સુધી ઊભા રહ્યા હતા. સલીમની હત્યા વખતે તેની બાતમી જેહાલ રફીક સાંઘે આપી હતી. જેનો બદલો લેવા માટે રફીકભાઈ આમદભાઈ સાંધ અને તેનો પુત્ર જિહાલ સાંધની બેવડી હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકના તાબેના ભાડેર ગામમાં જમીનના ડખ્ખામાં 4 જૂલાઈ 2018ના રોજ જીવણભાઈ સાંગાણીનું અપહરણ કરી ગોળી મારીને હત્યા કરાઈ હતી. ભાડેર ગામમાં રહેતા જીવનભાઈ છગનભાઈ સાંગાણીની હત્યા પછી ભાડેર ગામમાંભારેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ હતી. આ હત્યા કેસમાં કુખ્યાત જૂસૂબ તેમજ અમીન ઈસ્માઈલ, રહીમ ઉર્ફે ખુરી ઈસા, રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જસવંતસિંહને પોલીસે ઝડપી લીધા હતા. આ ભાડેર કેસ મામલે ATSની ટીમે જેની હત્યા થઇ તે રવની ગામના સલીમ સાંઘ અને આમદ હાસમભાઈ સાંઘને રવની ગામની સીમમાંથી પકડી લીધા હતા. સલીમ સાંઘ આ હત્યા કેસમાં પેરોલ મેળવી ફરાર થઇ ગયો હતો અને થોડા દિવસો પૂર્વે જ રાજકોટ ગ્રામ્ય એલસીબીએ તેને પકડી પાડ્યો હતો.