શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત દ્વારા કરાયેલી ટિપ્પણીનો જવાબ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એક રેલીને સંબોધતાં જણાવ્યું હતું કે, કેટલાંક લોકો મને જીવતો દાટી દેવા માગે છે, પરંતુ દેશના નાગરિકો મારું સુરક્ષા કવચ છે, જેઓ ક્યારેય મને આંચ નહીં આવવા દે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પર આકરાં પ્રહારો કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નકલી શિવસેનાના લોકો પોતાની મતબેન્કને ખુશ કરવા માટે મને ગાળો દઈ રહ્યાં છે.
નકલી શિવસેનાના લોકો મને જીવતો દાટી દેવા ઈચ્છે છે. બોંબ બ્લાસ્ટ કેસના આરોપીને તેઓ ચૂંટણી પ્રચારમાં પોતાની સાથે લઈને ફરે છે તેમ ભાજપના મહિલા ઉમેદવાર હિના ગાવિતના સમર્થનમાં યોજાયેલી એક રેલીમાં તેમણે જણાવ્યું હતું.
શિવસેનાના નેતા સંજય રાઉતે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુગલ રાજા ઔરંગઝેબની જેમ જમીનમાં દાટી દેવાનું કહ્યું હતું. રાઉતનું નામ લીધા વગર વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતવાસીઓ મારું સુરક્ષા કવચ હોવાથી તેઓ મને જીવતો કે મરેલો દાટી નહીં શકે. વિપક્ષ દેશના લોકોનો વિશ્વાસ અને ટેકો ગુમાવી ચૂક્યો છે. કોંગ્રેસના લોકો કહે છે કે, મોદી તેરી કબર ખુદેગી. મને ગાળો બોલતી વખતે પણ તેમના મનમાં ચોક્કસ વર્ગના મતદારોને ખુશ કરવાનો ઈરાદો હોય છે. જો આજે શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે જીવતાં હોત તો તેઓને શિવસેનાની વર્તમાન હાલત જોઈને ઘણું દુઃખ થયું હોત.
અનામત મામલે કોંગ્રેસની ઝાટકણી કાઢતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હિન્દુ વિરોધી પક્ષ છે. તેમણે જણાવ્યું હતું કે, ધર્મ આધારિત અનામત ગેરબંધારણીય હોવા છતાં તે તેની તરફેણ કરી રહી છે. હૈદરાબાદના મહેબુબાનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, કોંગ્રેસના શેહઝાદાએ ચૂંટણી પહેલાં મોહબ્બતની દુકાન શરૂ કરી હતી, જે ચૂંટણી આવતાની સાથે જ તેની ચમક ગુમાવી બેઠી છે. શેહઝાદા હવે ટૂકડે-ટુકડે ગેંગની ભાષા બોલી સમાજમાં ઝેર ફેલાવવાનું કામ કરી રહ્યાં છે.