વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પશ્ચિમ બંગાળમાં હતા. અહીં તેમણે બેરકપોર લોકસભા સીટ અને હુગલી લોકસભા સીટ પર ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી. બેરકપોર લોકસભા સીટ પર જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં આ લોકસભા ચૂંટણીમાં અમને 2019 કરતા પણ મોટી સફળતા મળશે. જ્યારે હુગલીની રેલીમાં તેમણે કહ્યું કે આ વખતે કોંગ્રેસ પાર્ટીને પોતાના શહેઝાદાની ઉંમર કરતા પણ ઓછી સીટો મળશે.
બેરકપોર લોકસભા સીટ પર યોજાયેલી જનસભામાં તેમણે ટીએમસી અને મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યો હતો.તેમણે કહ્યું કે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાં બોમ્બ બનાવવાને કુટિર ઉદ્યોગમાં ફેરવી દીધો છે. ટીએમસી સરકાર લોકોને ભગવાન રામના નામનો જાપ કરવા અને રામ નવમીની ઉજવણી કરવાની મંજૂરી આપતી નથી. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના શાસનમાં હિન્દુઓ બીજા વર્ગના નાગરિક બની ગયા છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિની અનામતને કોઈ છીનવી શકે નહીં. જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ સંદેશખલીના ગુનેગારોને બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ સંદેશખલીની મહિલા પ્રદર્શનકારીઓને ધમકી આપી રહ્યા છે.
હુગલી લોકસભા બેઠક પર એક રેલીમાં પીએમ મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસને તેના શહેઝાદાની ઉંમર કરતા પણ ઓછી બેઠકો મળશે. લોકસભાની ચૂંટણીના ત્રણ તબક્કામાં પ્રદર્શનના આધારે, હું કહી શકું છું કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)400 બેઠકોનો આંકડો પાર કરશે. હું આ દેશના લોકો માટે એક વિકસિત ભારત ઇચ્છું છું. તૃણમૂલ કોંગ્રેસના ભરતી માફિયાઓએ બંગાળના યુવાનોનું ભવિષ્ય બર્બાદ કરી નાખ્યું છે.