ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં 13 વર્ષીય સગીરાને ઇન્સ્ટાગ્રામથી ફસાવી બંને વચ્ચે થયેલી ચેટિંગની વાતો જાહેર કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવાનાં ગુનામાં ગાંધીનગર સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 12 હજારનો દંડ ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના સેકટર – 7 પોલીસ મથકની હદ વિસ્તારમાં વર્ષ – 2021 દરમ્યાન 13 વર્ષ 11 મહિનાની સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરીને દુષ્કર્મ ગુજારનાર 20 વર્ષીય આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ગાંધીનગરના સેકટર 16 જ ટાઈપનાં મકાનમાં રહેતો મૂળ હારીજનાં ખાખડી ગામના હાર્દિક ભગવાનભાઈ મકવાણાએ ઇન્સ્ટાગ્રામ માધ્યમથી 13 વર્ષીય સગીરાને ફ્રેન્ડ બનાવી હતી.
બાદમાં બંન્ને ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટિંગ કરતાં રહેતા હતા. અને વારંવાર સોશિયલ મીડિયાથી સંપર્ક કરી ઈલેક્ટ્રોનિક માધ્યમથી હાર્દિક સગીરાના ઘરે પહોંચી ગયો હતો. ત્યારે એકલતાનો લાભ ઉઠાવી હાર્દિકે ઇન્સ્ટાગ્રામ ચેટિંગની વાતો માતા પિતા અને સ્કૂલમાં જાહેર કરી દેવાની ધાક ધમકીઓ આપી સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સગીર દીકરીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની જાણ થતાં 24 ઓગસ્ટ 2021 ના રોજ સેકટર – પોલીસ મથકમાં હાર્દિક મકવાણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે અન્વયે પોલીસે જરૂરી આધાર પુરાવા એકત્ર કરીને આરોપીની ધરપકડ કરી સપ્ટેમ્બર 2021 માં ગાંધીનગર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગરના સ્પે. પોક્સો કોર્ટ બીજા એડી. સેશન્સ જજ એસ. ડી. મેહતાની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સુનીલ એસ પંડ્યાએ દલીલ કરેલી કે, આરોપીએ આવો ગંભીર પ્રકાર ગુનો કરેલો છે. આરોપીએ સગીરાને બ્લેકમેલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી તેણીની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધેલો હતો. સમાજમાં આવા ગુનાઓ રોજબરોજ બને છે. જેથી આવા ગુનાના આરોપીને વધુમાં વધુ સજા અને દંડ કરવામાં આવે તો નવા ગુના કરતાં લોકો અટકે અને સમાજમાં દાખલો બેસે. જે દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી હાર્દિક મકવાણાને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 12 હજારનો દંડ ફટકાર્યો છે.