ગુજરાતમાં લગ્નવાંછુક યુવકો સાથે લગ્ન કર્યા બાદ રફુચક્કર
થઈ જતી લૂંટેરી દુલ્હનોના કિસ્સા અવારનવાર સામે આવતા
રહે છે. ગાંધીનગર જિલ્લામાં એકસાથે ત્રણ લગ્નવાંછુક યુવક
લૂંટેરી દુલ્હનની ગેંગનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે.
રૂપાલ અને રાંધેજાના ત્રણ યુવક પાસેથી લાખો રૂપિયા લઈ
લગ્નના સાત ફેરા ફર્યા બાદ ત્રણેય દુલ્હન ફરાર થઈ ગઈ
હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર ત્રણેય યુવકનાં લગ્ન
કરાવનાર એક જ વ્યક્તિ હોવાનું અને ત્રણેય દુલ્હન વલસાડ
જિલ્લાની રહેવાસી હોવાનું ખૂલ્યું છે. પેથાપુર પોલીસ
સ્ટેશનમાં ત્રણ લૂંટેરી દુલ્હન સહિત પાંચ લોકો સામે ફરિયાદ
નોંધાતાં પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે. પોલીસે
લોકોને આ પ્રકારની ગેંગથી સાવધાન રહેવા પણ અપીલ કરી
છે.
રૂપાલ ગામનો 34 વર્ષીય ચિન્મય અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના લગ્ન માટે મોટા ભાઈએ વ્હોટ્સએપમાં તથા સગાં-સંબંધીઓને વાત કરી હતી. ત્યારે ગામમાં રહેતા શૈલેષ કનુભાઈ પટેલે આજથી ત્રણેક મહિના અગાઉ ચિન્મયને લગ્ન માટે એક છોકરીનો ફોટો બતાવીને કહેલું કે આ છોકરી તારા માટે સારી રહેશે, આથી ફોટો જોઈને છોકરી પસંદ આવતાં ચિન્મયે પરિવારના સભ્યોને છોકરીનો ફોટો બતાવ્યો હતો. બાદમાં છોકરી જોવાનું નક્કી થતાં શૈલેષ પટેલ બધાને 11મી ફેબ્રુઆરી 2024ના રોજ વલસાડ ચીખલીથી થોડા આગળ આવેલા એક ખેતરમાં આવેલા મકાનમાં લઈ ગયો હતો. એ વખતે તેણે મકાન છોકરીના મામાનું હોવાનું જણાવ્યું હતું, જ્યાં ચિન્મય સહિતના પરિવારે છોકરીને જોઈ હતી. ત્યારે છોકરીએ પોતાનું નામ માનસી મુકેશભાઈ પટેલ જણાવ્યું હતું. બાદમાં ચિન્મય અને માનસીએ એકબીજા સાથે વાતચીત કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે શૈલેષ પટેલે કહેલું કે છોકરીવાળા લગ્નના ખર્ચને પહોંચી વળે એમ નહીં હોવાથી તમારે આર્થિક મદદ કરવી પડશે. આ તરફ છોકરી પસંદ આવી ગઈ હોવાથી ચિન્મયે રૂ. 3 લાખ રોકડા નારદીપુર વહાણવટી માતાના મંદિર ખાતે શૈલેષભાઇ પટેલની હાજરીમા છોકરીના જીજાજી હિતેષભાઈ વિમલેશભાઈ પટેલને (રહે-શિવનગર ચોકડી વાપી વલસાડ)આપ્યા હતા.
17મી ફેબ્રુઆરીના રોજ સેક્ટર – 24 ખાતે આવેલી
આર્ય સમાજની વાડીમાં પરિવારની હાજરીમાં સમાજના
રીતરિવાજ મુજબ ચિન્મય અને માનસીનાં લગ્ન થયાં હતાં.
લગ્ન પછી માનસી સાસરી રૂપાલમાં રહેવા માટે આવી હતી.
એ વખતે તેણે મોબાઈલની માગ કરતાં ચિન્મયે 28 હજારનો
મોબાઇલ ગિફ્ટમાં આપ્યો હતો. બાદમાં 15 દિવસ રોકાઈને
માનસી પિયરમાં જતી રહી હતી અને ફરી પરત આવી દસ
દિવસ પછી માનસી દાંતની ટ્રીટમેન્ટ કરાવવાનું કહી એપ્રિલના
પ્રથમ સપ્તાહમાં પિયર જતી રહી હતી, જ્યાં જઈને તેણે
ચિન્મયને ટ્રીટમેન્ટ માટે 24 હજાર મોકલી આપવા કહ્યું હતું,
જેથી તેને અમદાવાદ ખાતે સારી ટ્રીટમેન્ટ કરાવવાનું કહેતાં
માનસીએ પિયરમાં જ ટ્રીટમેન્ટ કરાવીને આવવાનું કહી
બરબાદ કરવાની ધમકી આપી કોર્ટમાં મળીશું, કહીને ફોન
કાપી નાખ્યો હતો. એ અંગે વચેટિયાની ભૂમિકા અદા કરનાર
શૈલેષ પટેલને વાત કરતાં તેણે પંદર દિવસનો સમય માગ્યો
હતો.
ચિન્મયને જાણવા મળેલું કે રૂપાલ ગામના મેહુલને પણ
શૈલેષ પટેલે છોકરી બતાવી રોહિણી રાધેકાંત પટેલ
(રહે-વાપી કોપરલી આર.ડી જી.આઈ.ડી.સી વાપી,
વલસાડ) સાથે માર્ચ 2024ના રોજ છત્રાલ ખાતે આવેલી
કડવા પટેલની વાડીમાં લગ્ન કરાવ્યા હતા. એ છોકરી એક
મહિનો રોકાઈને રૂ. 3.40 લાખની છેતરપિંડી આચરી નાસી
ગઈ છે. આ જ રીતે રાંધેજા ગામના સંદીપના લગ્ન પણ
નયના રાજગુરુ પટેલ (રહે-વલસાડ ચીવલ રોડ પારડી
વલસાડ) સાથે એપ્રિલ 2024 માં આર્ય સમાજની વાડીમાં
શૈલેષ પટેલે કરાવી આપ્યાં હતાં અને એ છોકરી પણ રૂ.
3.50 લાખ લઈને છૂમંતર થઈ ગઈ હોવાનું સામે આવ્યું
હતું. એને પગલે ભોગ બનનાર ત્રણેય યુવાને શૈલેષભાઈ
પટેલને રૂપાલ ખાતે આવેલ પિનાકિન વિશાભાઈના બોર
પર મળવા બોલાવ્યો હતો. એ વખતે તેણે બધાને વિશ્વાસ
આપેલો કે ત્રણેયને પરણેતર પાછી લાવી આપશે. નહીં તો
લગ્નનો તમામ ખર્ચ પરત આપશે. બાદમાં ત્રણેય યુવાનોએ
પોતપોતાની પત્નીનો સંપર્ક કરવાના પ્રયત્નો કર્યા હતા અને
તેમના પિયરમાં પણ તપાસ કરી હતી, પરંતુ આજદિન સુધી
કોઈનો પત્તો લાગ્યો ન હતો. બીજી તરફ શૈલેષ પટેલ પણ
ભૂગર્ભમાં ઊતરી ગયો હતો.
આ અંગે ભોગ બનનાર યુવાનોએ કહ્યું, શૈલેષ પટેલ, હિતેશ પટેલ, માનસી પટેલ, રોહિણી પટેલ તેમજ નયના પટેલ તેમજ એક અજાણી મહિલા સહિતની ગેંગે લગ્નનું તરકટ રચી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. ઉક્ત ત્રણેય કિસ્સામાં અજાણી મહિલા સાસુ, મામી તેમજ વિધવાનો રોલ ભજવતી હતી, જ્યારે શૈલેષ પટેલ કન્યાદાન કરતો હતો. રોહિણી નામની લૂંટેરી દુલ્હન તો અક્ષરધામથી બારોબાર ભાગી ગઈ છે.
લૂંટેરી દુલ્હનો ગુજરાતી, હિન્દીની સાથે અંગ્રેજી પણ ફાકડું બોલતી હતી. જેમના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ ખોટા હોવાનું જાણવા મળ્યું છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો લૂંટેરી દુલ્હન સાથે લગ્ન વખતે અન્ય રૂપાળી છોકરી સાથે આવતી હતી, એટલે સમાજના અન્ય યુવાન પણ લગ્ન માટે તૈયારી દર્શાવતા હતા. આમને આમ ઉક્ત ગેંગ દ્વારા રૂપાલ, રાંધેજા, કડી તેમજ અમદાવાદના કુલ છ યુવાન સાથે લગ્નનું તરકટ રચી 20 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે, જે પૈકી ત્રણ યુવાને પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ડીવાયએસપી ડી.ટી.ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ પ્રકારની છેતરપિંડીના બનાવ હાલમાં પણ ચાલુ છે. લોભ-લાલચથી કોઈ વચેટિયો લગ્ન કરાવી આપવાની લાલચ આપે તો એ બાબતે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.