આણંદ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં શેતરંજી કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2014-15માં શેતરંજી ખરીદવા શાળાઓમાં ગ્રાન્ટ ફળવાઈ હતી પણ તેમાં તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ શેતરંજી કૌભાંડ આચર્યું હતું.
વર્ષ 2014-15માં આચરાયેલા આ કૌંભાડનો 9 વર્ષે પર્દાફાશ થયો છે. 9 વર્ષ બાદ આચાર્યોએ કરેલું શેતરંજી કૌભાંડ સામે આવ્યું છે જેમાં અઢી કરોડથી વધુ રકમનું કૌંભાડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાના તત્કાલીન જિલ્લા શિક્ષણ અધિકારી અને આચાર્યોએ આ કૌંભાડ આચર્યું હતું. એક જ સ્થળેથી શેતરંજી ખરીદવા આચાર્યને ફરજ પાડવામાં આવી હતી. આ કૌંભાડમાં બજાર કિંમત કરતા વધુ કિંમત ચૂકવવામાં આવી હતી અને તપાસના અંતે જણાયું હતું કે જિલ્લાના 243 આચાર્ય એ અઢી કરોડનું આ કૌંભાડ આચર્યું હતું. આખરે આ કૌંભાડનો પર્દાફાશ થતાં 9 વર્ષ બાદ 243 આચાર્ય સામે પગલાં ભરવા આદેશ કરાયા છે.
કૌંભાડમાં સંડોવાયેલા 243 આચાર્ય સામે ચાર્જશીટ કરવામાં આવતાં હવે તેમને મળવા પાત્ર લાભો અટકી જશે. 9 વર્ષ બાદ પગલાં ભરવાના આદેશથી શિક્ષણ વિભાગમાં ચકચાર મચી ગઇ છે.