પાકિસ્તાનના અન્ય એક સાંસદે ભારતના ચંદ્રયાન મિશનનો ઉલ્લેખ કરતા એસેમ્બલીમાં પોતાના જ દેશને અરીસો બતાવ્યો છે. મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) પાર્ટીના નેતા સૈયદ મુસ્તફા કમલે બુધવારે ભારત સાથે સરખામણી કરતા તેમના દેશમાં સુવિધાઓના અભાવનો ઉલ્લેખ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, એક તરફ ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે. ત્યારે બીજી બાજુ આપણાં દેશના બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. આપણે આપણા ટીવીની સ્ક્રીન પર સમાચાર જોઈએ છીએ કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને માત્ર બે જ સેકન્ડ પછી એવા સમાચાર આવે છે કે કરાચીમાં એક ખુલ્લી ગટરમાં પડીને એક બાળકનું મૃત્યુ થયું છે. આપણી પાસે કુલ 48,000 શાળાઓ છે, પરંતુ એક નવો રિપોર્ટ કહે છે કે તેમાંથી 11,000 ‘ભૂતિયા શાળાઓ’ છે. સિંધમાં 70 લાખ અને દેશમાં 2.62 કરોડ બાળકો શાળાએ જતાં નથી. આપણા નેતાઓને ઊંઘવું જોઈએ નહીં.”
MQM-P નેતા સૈયદ મુસ્તફા કમલે શહેરોમાં તાજા પાણીની અછત વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે, “કરાચી પાકિસ્તાનનું રેવન્યુ એન્જિન છે. પાકિસ્તાનના પ્રારંભથી દેશમાં જે બે બંદરો અસ્તિત્વમાં છે તે અહીં આવેલા છે. આ સમગ્ર દેશનું પ્રવેશદ્વાર છે. કરાચીને 15 વર્ષથી વધુ સમયથી શુદ્ધ પાણી મળતું ન હતું. જે પણ પાણી આવી રહ્યું છે તે પણ ટેન્કર માફિયાઓએ વસૂલી લે છે. એક અહેવાલને ટાંકીને કમલે વધુમાં કહ્યું હતું કે, સિંધ પ્રાંતમાં ઓછામાં ઓછા 70 લાખ બાળકો શાળાએ જઈ રહ્યા નથી અને રાષ્ટ્રીય સ્તરે આ સંખ્યા 2.6 કરોડ છે. આપણી પાસે કુલ 48,000 શાળાઓ છે, પરંતુ એક નવો રિપોર્ટ એમ કહે છે કે તેમાંથી 11,000 શાળાઓ તો ‘ભૂતિયા શાળાઓ’ છે, આવા અહેવાલ આપણા નેતાઓને ઊંઘવા કેવી રીતે દે છે.”
સૈયદ મુસ્તફા કમલની આ ટિપ્પણી વરિષ્ઠ પાકિસ્તાની રજનેતં મૌલાના ફઝલુર રહેમાન દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે રહેલી આર્થિક અસમાનતા તરફના નિવેદનના થોડા દિવસો બાદ કરવામાં આવી છે. રાજનેતા મૌલાના ફઝલુર રહેમાને કહ્યું હતું કે, ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે અને આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ.