ગાંધીનગરમાં સવાર સાંજ ટ્રાફિક સમસ્યાથી પીડાતા ભાઈજીપુરા ચાર રસ્તે નાના મોટા માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે ગઈકાલે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક ચાલકનું ગંભીર ઈજાઓ થવાથી ટૂંકી સારવાર દરમ્યાન ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં સવાર સાંજ ટ્રાફિક સમસ્યાથી પીડાતા ભાઈજીપુરા ચાર રસ્તે રોજબરોજ નાના મોટા અકસ્માત સર્જાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. અત્રેના વિસ્તારમાં રોડને અડીને લારી ગલ્લાનાં દબાણો તેમજ આડેધડ રીક્ષા વાહન પાર્કિંગ થવાના કારણે પીક અવર્સમાં ચારે દિશા તરફથી વાહનોનો ખડકલો થઈ જતાં ટ્રાફિકની પારાવાર મુશ્કેલીઓથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એવામાં ગઈકાલે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઇક સવારને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે.
ગાંધીનગરના વાવોલ કીર્તિધામ સોસાયટીમાં રહેતા મનીષ રમેશભાઈ શર્મા ફીશવિલા નામની માછલીના એક્વેરિયમનો વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેમના મોટા ભાઈ ભરતભાઈ(ઉ. 39) છૂટક ટુર એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરતા હતા. ગઈકાલે બપોરના ચારેક વાગે મનીષભાઈ કામ અર્થે કુડાસણ ગયા હતા.
આ દરમ્યાન તેમના પિતાએ ફોન કરીને જાણ કરેલી કે, ભરતભાઈ અમદાવાદથી ગાંધીનગર જતાં રોડ ઉપર ભાઈજીપુરા ચાર રસ્તે અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત સર્જાયો છે. જેઓને ગાંધીનગર સિવિલ લઈ જવાયા છે. જેનાં પગલે મનીષભાઈ તાબડતોબ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા. જ્યાં ભરત ભાઈની ઈમર્જન્સી વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. એ દરમ્યાન ભરતભાઈની તબિયત વધુ પડતી લથડી પડતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
આ અકસ્માત અંગે તપાસ કરતા મનીષભાઈને જાણવા મળેલ કે, ભાઈજીપુરા ચાર રસ્તે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. જેનાં કારણે ભરતભાઈ રોડ ઉપર પટકાયા હતા. જેઓને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સિવિલ દોડી ગઈ હતી અને મૃતકનું પોસ્ટમોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.