છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સિંચાઈ વિભાગની પાંચ નકલી કચેરી ખોલીને સરકારને 22 કરોડ રુપિયાથી વધારે ચૂનો ચોપડવાનુ કૌભાંડ આખા રાજ્યમાં ગાજયુ હતુ.આ કોંભાડના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનુ મોત થયા બાદ ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો પ્રમાણે છોટાઉદેપુર સબ જેલમાં રખાયેલા સંદીપ રાજપૂતને બુધવારે અચાનક ગભરામણ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનુ મોત થયુ હતુ.
ઉલ્લેખનીય છે કે, આ ચકચારી કૌભાંડમાં સંદીપ રાજપૂતે બોડેલી ખાતે પાંચ નકલી કચેરીઓ કાર્યરત કરીને સરકારની ગ્રાંટ પેટે 22 કરોડ રુપિયા મેળવી લીધા હતા. આ મામલો જ્યારે પ્રકાશમાં આવ્યો ત્યારે સરકારની પણ ભારે ફજેતી થઈ હતી.
પોલીસે સૌથી પહેલા ધરપકડ સંદીપ રાજપૂતની કરી હતી અને એ પછી આ કૌભાંડના માસ્ટર માઈન્ડ ગણાતા અબુ બકર તથા બીજા આરોપીઓ એમ કુલ 22 વ્યક્તિઓની ધરપકડ કરી હતી.અન્ય આરોપીઓની સાથે સંદીપ રાજપૂતને પણ સબ જેલમાં રાખવામાં આવ્યો હતો. બુધવારે (15 મેેએ) સંદીપે ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.પોલીસ તેને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી.પોલીસે તેની સારવાર માટે સમયસર કાર્યવાહી કરી હતી કે કેમ તે બાબત પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સાથે સાથે મુખ્ય આરોપીના મોતથી સમગ્ર કેસ પર ગંભીર અસર પડે તેવી શક્યતાઓ છે.