પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ગુજરાત સહિત આસપાસના અનેક રાજ્યોમાં ચર્ચાસ્પદ બની છે. આ પંચાયતમાં ગ્રામજનો કરતા અન્ય શહેર અને રાજ્યોના લોકોના આંટાફેરા ખૂબ જ વધારે હોય છે! જેનું કારણ જાણીને પણ તમે ચોંકી ઉઠશો. પરિવારના ડરથી ભાગીને પ્રેમલગ્ન કરનાર પ્રેમી પંખીડાઓ માટે આ ભદ્રાલા ગ્રામપંચાયત ફેવરિટ ડેસ્ટિનેશન છે, કેમ કે અહીં આવો એટલે લગ્ન 100% પાકા પાયે થઈ જવાના જ છે.
શહેરા તાલુકાની ભદ્રાલા ગ્રામ પંચાયત હાલ ભારે ચર્ચામાં આવી છે. તેમાં નોંધાયેલા લગ્ન નોંધણી બાબતે તમે જાણીને નવાઈ લાગશે પરંતુ આ પંચાયતમાં છેલ્લા 6 માસમાં જ 500 થી વધુ લગ્ન નોંધણી તલાટી મહાશય દ્વારા કરવામાં આવી છે. તત્કાલીન તલાટી પી.એમ પરમાર દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી પ્રક્રિયા ધારાધોરણોને નેવે મૂકી 6 માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી કરવામાં આવી છે.
તો છેલ્લા એક માસમાં જ અહીં 100 ઉપરાંત લગ્નની નોંધણી થતાં આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જે યુવક યુવતીઓએ પોતાના પરિવારને છોડીને ભાગીને લગ્ન કરીને આ ભદ્રાલાં ગ્રામ પંચાયતમાં નોંધણી કરાવી હતી, તેવા અનેક વાલીઓએ શહેરા તાલુકા પંચાયત ખાતે લેખિતમાં અનેક રજુઆતો કરતા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ હતી. પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારનાં પરિવારજનો આવા તલાટી સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
લગ્ન નોંધણી માટે કુખ્યાત બનેલા ભદ્રાલા ગામના અગ્રણીઓએ પણ અનેક વખત તાલુકા પંચાયત ખાતે રજુઆત કરી હતી. સાથે જ લગ્ન નોંધણી માટે ભદ્રાલા ગામના જે મંદિર ના પૂજારીનો દાખલો મુકવામાં આવ્યા છે તે પણ બોગસ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે કારણ કે આ મંદિરમાં આવા કોઈ જ લગ્ન થયા હોવાની વાત કરતા પોતાના ગામને બદનામ કરતા આવા લોકો સામે એક્શન લેવા માંગણી કરી રહ્યા છે.
ખોટી રીતે લગ્ન નોંધણી કરવામાં આવી હોવાની અનેક રજુઆતો આધારે શહેરા ટીડીઓએ તપાસ શરૂ કરતાં અધિકારી પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે તપાસમાં સામે આવ્યું કે 70 ટકા બાબતોમાં વિસંગતતા હતી. તપાસ માં સામે આવ્યું હતું કે તલાટી પી.એમ.પરમારના ફરજકાળ દરમિયાન ભદ્રાલા ગ્રામ પંચાયતમાં 6 માસમાં 500 ઉપરાંત લગ્ન નોંધણી થયા હતા અને એક જ માસમાં 100 લગ્ન નોંધણી થઈ હતી.
આ બાબત અંગે સ્થાનિકો દ્વારા તેમજ લગ્ન નોંધણી સર્ટિફિકેટ આધારે કેટલાક વાલીઓ દ્વારા શહેરા ટીડીઓને રજુઆત કરવામાં આવતી હતી.આ રજુઆત આધારે શહેરા ટીડીઓએ તપાસ કરતાં તલાટી દ્વારા કરવામાં આવેલી લગ્ન નોંધણી માં જોગવાઈ મુજબ નહિં થઈ હોવાનું તેમજ ઘણાબધા ડોક્યુમેન્ટ માં વિસંગતતા જોવા મળી હતી જેથી તલાટી પી.એમ પરમારની એક તરફી જિલ્લા કક્ષાએ બદલી કરવામાં આવી હતી અને અન્ય તલાટી જે ચાર્જ સુપરત કર્યો હતો.
ઇન્ચાર્જ તલાટી પાસે ડોક્યુમેન્ટ અંગેની ચકાસણી કરાવતાં લગ્ન નોંધણીના ડોક્યુમેન્ટ માત્ર 70 ટકા મળી આવ્યા છે જેની તપાસ કરવામાં આવી છે. લગ્ન નોંધણીમાં ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોના અરજદારનો સમાવેશ થાય છે. જે તપાસમાં સામે આવતાં જ તલાટીની એક તરફી બદલી કરી દેવામાં આવી છે. જોકે આ સમગ્ર કથિત કૌભાંડ બાબતે ડેપ્યુટી ડીડીઓ દ્વારા તલાટી સામે કાર્યવાહી માટે શહેરા ટીડીઓ ને આજે પત્ર લખી અહેવાલ મંગાવવામાં આવ્યો છે.