એક અત્યંત રસપ્રદ કેસમાં સુપ્રીમ કોર્ટે NDPSના કાયદા હેઠળ નોંધાયેલા ગુનાના આરોપીને એ આધારે જામીન આપ્યા છે કે, તે ડ્રગનો ડીલર કે સપ્લાયર નહીં પરંતુ ડ્રગનો બંધાણી હતો. બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશનમાં NDPSના કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે અને તેને જામીન આપવાનો આદેશ કર્યો છે.
આ મામલે અરજદાર આરોપીની રેગ્યુલર જામીન અરજી હાઇકોર્ટે ફેબ્રુઆરીમાં ફગાવી કાઢી હતી. જે આદેશને પણ સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે. જોકે આ કેસમાં સૌથી રસપ્રદ મુદ્દો એ છે કે અરજદાર આરોપી તરફથી એડવોકેટ વિરાટ પોપટે સુપ્રીમ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે અરજદાર ડ્રગનો ડીલર કે સપ્લાયર નથી એવું ખુદ ફરિયાદી પક્ષનો મુદ્દો છે. તેથી અરજદારને સહઆરોપીઓને મળેલા જામીનના આધારે સમાનતાના ધોરણે જામીન મળવા જોઇએ. આ દલીલ સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
પ્રસ્તુત કેસમાં અરજદાર હાર્દિક પટેલ તરફથી એડવોકેટ વિરાટ પોપટે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલમાં એવી દલીલ કરી હતી કે,’અરજદારને જામીન નહીં આપવાનો હાઇકોર્ટનો આદેશ ભૂલભરેલો અને સુપ્રીમ કોર્ટના આદેશથી પણ વિપરીત છે. આરોપી પાસેથી જે ડ્રગ્સ મળી આવ્યું હતું એ એના અંગત વપરાશ માટે હતું અને આરોપીના બ્લડ ટેસ્ટ વગેરે પણ કરવામાં આવ્યા હતા. જેના પરથી સ્પષ્ટ થઇ ગયું હતું કે અરજદાર આરોપી ડ્રગ્સનો બંધાણી છે. પ્રસ્તુત કેસની ટ્રાયલમાં લાંબો સમય જઇ શકે તેમ છે અને જો અરજદારને બિનજરૂરી રીતે જેલમાં રાખવાનો કોઇ મતલબ રહેતો નથી.’
વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે,’આ કેસનો મુખ્ય આરોપી સપ્લાયર છે અને તેને જામીન આપવામાં આવ્યા છે. તેથી જો સપ્લાયરને જામીન મળતાં હોય અને આ કેસનો આરોપી તો ‘એડિક્ટેડ'(બંધાણી) છે. જેથી સમાનતાના ધોરણે તેને પણ જામીન આપવાની દાદ અમે માંગી રહ્યા છીએ.’
સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ફરિયાદી પક્ષને સવાલ કર્યો હતો,’શું અરજદાર બંધાણી હતો? જો એણે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હોય અને વેચાણ ન કર્યું હોય તો એનો કેસ સપ્લાયર કરતાં અલગ ગણાય.’