ગુજરાત સહિત દેશમાંથી અવાર નવાર લૂંટેરી દુલ્હનના કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં વડોદરા નજીક આવેલ વેમાલીમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો યુવક લગ્ન માટે યુવતી શોધી રહ્યો હતો તે દરમિયાન મેરેજ બ્યૂરો સંચાલકોએ તેની પાસે 5 લાખ લઈ ઔરંગાબાદની યુવતી સાથે તેના લગ્ન કરાવ્યા. જો કે યુવક જ્યારે ધંધા અર્થે બહા ગયો ત્યારે યુવતિ મંગળસૂત્ર સહિત સોનાના દાગીના અને 12 હજાર રોકડ લઈને રફુચક્કર થઇ ગઇ.
આ પછી યુવાને મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જો કે ફરિયાદ નોંધાયાને પાંચેક દિવસ થઇ ગયા છે પરંતુ તેમ છતાં પણ મંજુસર પોલીસ ટોળકીની ધરપકડ નથી કરી શકી. પીડિત યુવકે નોંધાવેલી ફરિયાદ મુજબ તે વેમાલી ગામમાં એકલો રહે છે, માતા-પિતા નથી અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. લગ્ન માટે તે જ્યારે છોકરી શોધી રહ્યો હતો ત્યારે તેનો પરિચય ઉમા ચાર રસ્તા પાસે આવેલ શ્રીનાથજી બ્યૂરોની સંચાલક સેજલ જોશી સાથે થયો અને તેણે સારી કન્યા બતાવવા માટે વાત કરી.
આ પછી અમદાવાદના મેરેજ બ્યૂરો સંચાલક કિરીટ ઉર્ફે કિરણ અરજણ ઝાલા સાથે પરિચય કરાવ્યો અને બંનેએ ભેગા મળી મહારાષ્ટ્ર ઔરંગાબાદના સંજયનગરમાં રહેતી દીક્ષા સાથે મુલાકાત કરાવી. યુવકના લગ્ન દીક્ષા સાથે 26 ફેબ્રુઆરી 2024ના રોજ બપોરે ત્રણ વાગ્યે રામોલ રોયલ રેસ્ટોરન્ટમાં થયા હતા, અને લગ્ન પેટે નક્કી થયા મુજબ મેરેજ બ્યૂરો સંચાલક સેજલ જોષી, અમદાવાદના મેરેજ બ્યૂરો સંચાલક કિરીટ ઉર્ફે કિરણ ઝાલા અને પત્ની દીક્ષાની બહેન પ્રીતિ બોરડેના એકાઉન્ટમાં રૂપિયા 2,72,000 અને રૂપિયા 2,27,000 રોકડા મળી કુલ 5 લાખ આપ્યા.
લગ્ન બાદ દીક્ષા પતિ સાથે વેમાલી રહેવા ગઇ અને 10 દિવસ પતિ સાથે રોકાયા પછી તે અમદાવાદ મેરેજ બ્યૂરો સંચાલક કિરીટ ઝાલાના ઘરે ગઇ. થોડા દિવસ બાદ યુવક દીક્ષાને વેમાલી લઈ આવ્યો અને તે દરમિયાન તેનાં માતા-પિતા પણ આવ્યાં. જો કે તેઓ એક અઠવાડીયુ રોકાઇ પરત જતાં રહ્યાં. 30 માર્ચે જ્યારે યુવક ધંધાર્થે ગયો ત્યારે લૂંટેરી દુલ્હન મંગળસૂત્ર, સોનાની ચેન અને ઘરની તિજોરીમાં પતિએ મૂકેલા રોકડા રૂપિયા 12 હજાર લઈ રફૂચક્કર થઇ ગઇ.
જ્યારે યુવક ઘરે આવ્યો ત્યારે પત્ની હાજર ન દેખાતાં આસપાસ તપાસ કરી અને કોઇ ભાળ ન મળતા અમદાવાદના મેરેજ બ્યૂરો સંચાલકને જાણ કરી. તેણે જણાવ્યું કે ચિંતા ના કર, મેં તેનું ઘર જોયું છે. આપણે તેના ઘરે જઇને લઈ આવીશું. હાલ તું કંઈ કરીશ નહીં. જો કે, યુવકે દીક્ષાને લેવા જવા માટે વાત કરી તો સંચાલકે જણાવ્યું કે તારે જેમ કરવું હોય એમ કર, મારાથી દીક્ષાના ઘરે આવી શકાશે નહીં. આ પછી બાદમાં ફરિયાદીએ મેરેજ બ્યૂરો સંચાલકો અંગે તપાસ કરતાં આ ટોળકી ઠગ હોવાનું જણાયુ.
તેને એવી માહિતી મળી કે આ ટોળકી ખોટા લગ્ન કરાવી લગ્નઇચ્છુક યુવકો સાથે ઠગાઇ કરે છે.આ પછી તેણે શ્રીનાથ મેરેજ બ્યૂરોની સંચાલક સેજલ જોષી, અમદાવાદના મેરેજ બ્યૂરો સંચાલક કિરણ ઉર્ફે કિરીટ ઝાલા, જયનાથ બોરડે તેની પત્ની કુસુમ બોરડે અને પત્ની બનીને આવેલી દીક્ષા બોરડે સામે રૂપિયા 5 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.