મસાલામાં ઈથિલીન ઓક્સાઈડના ઘટકો પકડાતા ભારતમાંથી મસાલાની થતી નિકાસમાં ગાબડું પડી જતું અટકાવવા માટે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ ગુજરાતમાંથી મસાલાના ઉત્પાદન સાથે સંકળાયેલા 300 ફેક્ટરીઓમાંથી સેમ્પલ્સ લઈને તેની ચકાસણીનો આરંભ કરી દીધો છે. હજી વધુ સેમ્પલ્સ એકત્રિત કરવાની કામગીરી ચાલુ જ હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાનું કહેવું છે.ગુજરાતમાંથી મિક્સ મસાલાની નિકાસ કરતાં 13 એકમોના સેમ્પલ્સ પણ લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત તેમનું કહેવું છે કે ‘ગુજરાતમાં પાંચ લેબોરેટરીઓમાં તેની ચકાસણી ચાલુ કરવામાં આવી છે. એનએબીએલ એક્રેડિટેશન ધરાવતી લેબોરેટરીમાં જ તેની ચકાસણી કરાવીને રિપોર્ટ આપવાનો ફુડ એન્ડ સ્ટ્રાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આદેશ કર્યો છે.’ જોકે અમદાવાદની એફએસએસએઆઈના અધિકારીઓ આ તે માટે બાબતમાં જોઈએ તેવી સક્રિયતા દર્શાવતા ન હોવાનું જણાય છે.
એમડીએચ મસાલામાં ઈથિલીન ઓક્સાઈડનું પ્રમાણ વધુ આવ્યું તે પછી નેપાળે પણ ભારતમાંથી આયાત કરેલા મસાલાના કન્સાઈનમેન્ટ પર બ્રેક લગાવી દીધી છે. ઈથિલીન ઓક્સાઈડને બદલે વરાળમાંથી પસાર કરીને મસાલાને જંતુમુક્ત બનાવી શકાય છે. પરંતુ તે પ્રક્રિયા ઈથિલીન ઓક્સાઈડની પ્રક્રિયાથી ચારથી પાંચ ગણી મોંઘી છે. સરકાર ઇથિલીન ઓક્સાઈડની સમસ્યાનો નીવેડો ન લાવે તો આ વરસે મસાલાની નિકાસમાં 40થી 45 ટકાનું ગાબડું પડી જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. 2021-22ના વર્ષમાં ભારતમાંથી 15 લાખ ટનથી વધારે મસાલાની નિકાસ કરવામાં આવી હતી. ચીન, અમેરિકા, કેનેડા, મલેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન સંઘના દેશો, બ્રિટનમાં ભારતીય મસાલાની નિકાસ કરવામાં આવે છે.