મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે મણીનગર સ્થિત ઉત્તમ નગર ગાર્ડન પાસે ‘નમો પુસ્તક પરબ’ અંતર્ગત પ્રતિ રવિવારે યોજાતા પુસ્તક પરબની આ રવિવારે યોજાયેલી 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
દેશના વર્તમાન વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચોથી જુલાઈ 2021 ના રોજ ‘નમો પુસ્તક પરબ’નો પ્રારંભ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રદર્શનમાં વિવિધ વિષયોને આવરી લેતા પુસ્તકોને અત્યંત રસપૂર્વક નિહાળ્યા હતા સાથે સાથે આ પ્રવૃત્તિની જાણકારી પણ મેળવી હતી.
અમદાવાદ શહેરના મણિનગર ખાતે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા આયોજિત વાંચનની સરવાણી સમાન "નમો પુસ્તક પરબ"ના ૧૫૧માં રવિવારે ઉપસ્થિત રહેવાનું સદ્દભાગ્ય પ્રાપ્ત થયું.આ અવસરે મને ભેટ સ્વરુપે મળેલા પુસ્તકોને અત્રે સૌજન્ય સ્વરુપે આપ્યા હતાં. pic.twitter.com/gLsBrkzhR7
— Bhupendra Patel (Modi Ka Parivar) (@Bhupendrapbjp) May 19, 2024
ધારાસભ્ય મહેશ કસવાલા પ્રેરિત ‘સંસ્કૃતિ ફાઉન્ડેશન’ દ્વારા પ્રતિ રવિવારે ઉત્તમ નગર ગાર્ડનની બહાર ફૂટપાથ પર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે. આ પરબમાં વિવિધ વિષયોના 3000 થી વધુ પુસ્તકોનો જાહેર જનતા લાભ લે છે. ધર્મ, પ્રવાસન, સાહિત્ય, એન્જિનિયરિંગ, સાયન્સ, કવિતાઓ, વાર્તા સંબંધિત આ પુસ્તકોએ મણીનગરના લોકો માટે વિશેષ આકર્ષણ જમાવ્યું છે.
આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાલાએ જણાવ્યું હતું કે, ‘નરેન્દ્ર મોદી હંમેશા કહેતા વાંચનમાં એક જબરજસ્ત તાકાત હોય છે’ તેમાંથી પ્રેરણા લઈને આ પરબ શરૂ કરાઈ છે. વાંચનને એક આદત બનાવવાના ધ્યેય સાથે પ્રતિ રવિવાર પુસ્તક પરબમાં અનેક લોકો પુસ્તકોની આપ લે કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે પુસ્તક આપનાર અને લઈ જનારની કોઈપણ પ્રકારની નોંધણી કરાતી નથી, એમ છતાંય અહીંયા ક્યારેય પુસ્તકો ખૂટ્યા નથી. જે પરિવારો પાસે પુસ્તકો હોય એ અહીં મૂકી જાય છે અને જરૂરિયાત મંદો કે વાંચન શોખીનો અહીંથી પુસ્તક વાંચવા લઈને પરત આપી જાય છે. પુસ્તક પરબ પરિવાર સાથે સંકળાયેલા કૌશલભાઈ, શ્રીપાલભાઈ, હિતેશ પટેલ અને અનેક કાર્યકરો આ પરબનું સફળતાપૂર્વક સંચાલન કરે છે. આ પ્રસંગે મણીનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને વાંચન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.