સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગીરી પાસે આવેલ સાંઈબાબાના મંદિર પાસે પત્ની સાથેના ઝઘડામાં પોલીસ આવતા યુવકે એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ બનાવની જાણ થતાંની સાથે જ તેના મોટાભાઈને નાના ભાઈના મૃત્યુનો આઘાત લાગ્યો હતો અને નાના ભાઈના મૃત્યુના ગમમાં મોટાભાઈએ પણ એ જ જગ્યાએ એસિડ ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. હાલ તો બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં નીલગીરી પાસે નવાનગર જવાહર મોહલ્લામાં સાંઈબાબાના મંદિર પાછળ રહેતા નાયકા જિતેન્દ્ર બાબુભાઈ સરદાર માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 18 મેના રોજ જિતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નજીવી બાબતમાં બોલાચાલી થઈ હતી. જેથી જિતેન્દ્રએ તેની પત્નીને માર માર્યો હતો.
આખરે તેની પત્નીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતાં જ પોલીસ જિતેન્દ્રને પકડવા માટે આવી હતી. પોલીસ આવતાની સાથે જ જિતેન્દ્ર ઘરમાંથી એસિડની બોટલ લઈને નીકળી ગયો હતો અને સાંઈબાબાના મંદિરની પાછળના ભાગે જ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
બીજી બાજુ તેના મોટાભાઈ નાયકા બિપીન બાબુભાઈને આ વાતની જાણ થઈ હતી કે, તેના નાના ભાઈએ એસિડ ગટગટાવી આપઘાત કર્યો છે. જેથી નાના ભાઈના ગમમાં મોટાભાઈ બિપીને પણ એસિડ ગટગટાવી લીધું હતું. જેથી તેને પણ સારવાર માટે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ તેને પણ મૃત જાહેર કર્યો હતો. એકસાથે બંને ભાઈનાં મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
આ મામલે સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને ભાઈઓ વચ્ચે ખૂબ સારો મેળમિલાપ હતો. જેથી મોટાભાઈને નાના ભાઈના મૃત્યુનો વધુ આઘાત લાગ્યો હતો. જિતેન્દ્રએ જે જગ્યા પર એસિડ ગટગટાવ્યું હતું એ જગ્યા પર બિપીન પણ એસિડની બોટલ લઈને પહોંચી ગયો હતો અને એ જગ્યા પર તેણે પણ એસિડ ગટગટાવી મોતને વહાલું કર્યું હતું.
આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, લિંબાયત વિસ્તારમાં નીલગીરી પાસે જવાહર મોહલ્લામાં રહેતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્નીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. આ દરમિયાન પોલીસ પીસીઆર વાન લઈને પહોંચી તો જિતેન્દ્ર નાયકા પોલીસ પકડી લેશે અને જેલમાં પૂરી દેશે તેવા ડરથી ઘરેથી નાસી છૂટ્યો હતો અને બાદમાં સાંઈબાબાના મંદિરની પાછળના ભાગે જઈ એસિડ પી લીધું હતું.