ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નાહવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતાં તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. તમામ ડૂબવા લાગતાં બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી નજીકમાં રહેલા લોકોએ ઘટનાસ્થળ પર પહોંચી તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હોસ્પિટલ પર પહોંચતાં એક બાળકી અને ત્રણ કિશોરી સહિત ચારને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે એકની હાલ સારવાર ચાલી રહી છે.
ભાવનગર શહેરના બોરતળાવ (ગૌરીશંકર સરોવર)માં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી પાંચ બાળા કપડાં ધોવા માટે ગઈ હતી, જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતાં તેની સાથે રહેતી અન્ય બાળકી અને કિશોરીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી, જે તમામ ડૂબવા લાગતાં બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પર ચારને મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે, જે જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
બોરતળાવમાં આજે જે પાંચ બાળા ડૂબી હતી. એમાં રાશિ મનીષભાઈ ચારોલિયા, કોમલ મનીષભાઈ ચારોલિયા અને કિંજલ મનીષભાઈ ચારોલિયા ત્રણેય સગીબહેનો થાય છે. એમાં રાશિ અને કોમલનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે, જ્યારે ત્રીજી બહેન કિંજલ હાલ સારવાર હેઠળ છે.
ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બપોરે સાડાબાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોન પર માહિતી મળી હતી કે બોરતળાવમાં પાંચ દીકરી ડૂબી ગઈ છે. તરત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતાં ચારનાં મોત થયાં છે, જ્યારે એકનો જીવ બચી ગયો છે.
મોરારીબાપુએ આ ઘટનામાં મરણ પામેલી દીકરીઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા 60 હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતક દીકરીઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. આ રાશિ ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવશે.