અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ અને સૌથી ચર્ચાસ્પદ બનેલો એવો હાટકેશ્વર બ્રિજ છેલ્લાં બે વર્ષથી બંધ હાલતમાં છે. હાટકેશ્વર બ્રિજને તોડી પાડી નવો બનાવવામાં કોર્પોરેશન દ્વારા ટેન્ડરપ્રક્રિયા પણ કરવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈપણ કંપની બ્રિજ તોડી નવો બનાવવા તૈયાર નથી, જેથી હવે હાટકેશ્વર બ્રિજ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ગળાનું હાડકું સમાન બની ગયું છે. બ્રિજના ટેન્ડરમાં હજી સુધી કોઈ કંપની રસ ન દાખવતાં હવે બ્રિજને કોર્પોરેશનને જાતે જ તોડવો પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ હાટકેશ્વર બ્રિજને લઈને હવે બેનરો લગાવી વિરોધ કરવામાં આવ્યો છે. હાટકેશ્વર બ્રિજ પર વિપક્ષ કોંગ્રેસ દ્વારા બેનર લગાવવામાં આવ્યાં છે, જેમાં લખવામાં આવ્યું છે કે ‘AMC, મને હટાઓ. હું ભ્રષ્ટાચારી બ્રિજ છું, ખૂબ થાકી ગયો છું, હું ક્યાં સુધી નડીશ’ આવાં વાક્યો સાથે આ બ્રિજ પર બેનરો લગાવીને વિરોધ પણ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલાં આ બેનરને બાદમાં ઉતારી પણ લેવામાં આવ્યાં હતાં. હાટકેશ્વર બ્રિજને લઈને ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ પણ કોઈ નિર્ણય ન લેતા હોવાને પગલે બ્રિજ અમદાવાદીઓ માટે ઉત્તમ શો પીસ બની ગયો છે.
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં જો સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો 50 કરોડના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ છે, જે જર્જરિત હાલતમાં હોવાના કારણે થોડા મહિનામાં જ બંધ કરી દેવામાં આવ્યો હતો. એક તરફ ભાજપ અને AMC ખૂબ જ મોટા ભ્રષ્ટાચારને અટકાવી શક્યા નથી. તો બીજી તરફ 680 દિવસ બાદ પણ બ્રિજ એ જ હાલતમાં છે અને એમાંથી કોઈ છુટકારો મેળવી શક્યો નથી. આજે કોંગ્રેસ પક્ષે એ બ્રિજ પર બેનર લગાવીને વિરોધ કર્યો હતો. હાટકેશ્વર બ્રિજનો ઝડપી નિકાલ કરવા માગણી કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૌથી મોટા ભ્રષ્ટાચારનો નમૂનો ગણાતા એવા હાટકેશ્વર બ્રિજમાં વિજિલન્સ વિભાગની કામગીરી સામે હવે સવાલ ઊભા થયા હતા. બ્રિજ નિર્માણની કામગીરી દરમિયાન વિજિલન્સ વિભાગ દ્વારા સેમ્પલ લેવાની અને ચેકિંગ કરવાની કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી છે, જેને ધ્યાનમાં લેવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની લેબોરેટરીમાં જે સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે એ ટેસ્ટિંગની કોપીમાં વિજિલન્સ વિભાગના કોઈપણ અધિકારીની ક્યાંય સહી પણ નહિ હોવાનું સામે આવ્યું છે. જે વિભાગ કોર્પોરેશનમાં કૌભાંડો અને જવાબદારોની સામે તપાસ કરતું હોય છે તેવા વિજિલન્સ વિભાગમાં કૌભાંડ ચાલતું હોવાની ચર્ચા છે.
હાટકેશ્વર બ્રિજ મામલે RTI હેઠળ તેમને મળેલા દસ્તાવેજોમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. સામાન્ય રીતે સિમેન્ટ-કોંક્રીટ ભરાતો હોય ત્યારે અથવા એ બાદ ટેસ્ટિંગ માટેનો નમૂનો લેવાનો હોય છે. AMCએ દર્શાવ્યું હતું કે સિમેન્ટ-કોંક્રીટ 30મી જાન્યુઆરી 2016ના રોજ ભરાયો હતો. જોકે તેના ટેસ્ટિંગ માટેનો નમૂનો 27મી જાન્યુઆરી 2016ના રોજ લેવાયો છે એવું દર્શાવાયું છે, જેથી નમૂનો લેવાયો કે નહીં એ જ શંકા ઊપજાવે એવું છે. વિજિલન્સ વિભાગ દ્વારા ત્રણ દિવસ પહેલાં કઈ રીતે નમૂનો લેવાયો એ અંગે કોઈ શંકા ઉઠાવવામાં આવી ન હતી.
AMCના મટીરિયલ ટેસ્ટિંગ લેબમાં નિયત બાંધકામના
નમૂના લઇને એને તપાસ માટે મોકલવામાં આવતા હોય છે.
બાંધકામ સમયે બે નમૂના લેવામાં આવે છે, જેમાં એક નમૂનો
7 દિવસે અને બીજો નમૂનો 28મા દિવસે પાણીમાંથી કાઢીને
તપાસ માટે મોકલવામાં આવે છે. જ્યાં તપાસ થતી હોય ત્યાં
મેટલ ડેપો લેબ ખાતે વિજિલન્સ વિભાગે નિયમિત ચકાસણી
કરવાની હોય છે. બ્રિજ જ્યારે બનતો હોય ત્યારે વિજિલન્સ
વિભાગ દ્વારા એની વિઝિટ લેવાની હોય છે, પરંતુ અંકુર
સાગરને RTIના મળેલા જવાબમાં વિજિલન્સ વિભાગ દ્વારા
મેટલ ડેપોની મુલાકાત લીધી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.
જ્યારે જે બાબતના પુરાવા મળ્યા એમાં પણ વિસંગતતા
જોવા મળી છે.
જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના કોઇપણ પત્રોમાં તેના પાના નંબર દર્શાવવા ફરજિયાત હોવા છતાં કોઇપણ સ્થળે પાના નંબર નહિ દર્શાવીને એને લગતા અહેવાલમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બ્રિજ વિભાગના ઇજનેર ખાતાના અધિકારીઓ દ્વારા જે ગંભીર ભૂલ કરાય એવી ભૂલ વિજિલન્સ વિભાગના ઇજનેર વિભાગ પર દેખરેખ રાખતા વિભાગ દ્વારા પણ કરવામાં આવી હોવા છતાં તેની સામે કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા. સામાન્ય રીતે M-35 ગ્રેડના માલની ગુણવત્તાનું ટેસ્ટિંગ થાય તો એની મહત્તમ ગુણવત્તા 38 જેટલી આવવી જોઇએ. આ ગુણવત્તા 45 ગ્રેડ કરતાં પણ વધારે આવી હતી. જે ઇન્ડિયન રોડ કોંક્રીટ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે અમાન્ય ગણાય. જોકે આ શંકાસ્પદ રિપોટને પણ ચૂપચાપ મંજૂર કરી દેવાયો હતો.
હાટકેશ્વર બ્રિજ મામલે અનેક જવાબદાર અધિકારીઓ સામે છેલ્લા એક વર્ષમાં પગલાં લેવામાં આવ્યાં છે. જોકે વિજિલન્સ વિભાગની ભૂલ હોય તો એ મામલે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. વિજિલન્સ વિભાગના તત્કાલીન અધિકારી દોશી સહિતના અધિકારીઓ સામે તપાસ ન કરવામાં આવી હોવાની ચર્ચા જાગી છે. શહેરમાં 1 કરોડથી વધારે રકમના કામમાં જ્યાં તમામ કામોની માહિતીની ચકાસણી વિજિલન્સ વિભાગ દ્વારા ફરજિયાત કરવાની હતી એ પરિપત્રને ધ્યાનમાં લેવાતો નથી.