વડોદરા શહેરના અકોટા MGVCL ઓફિસ ખાતે સ્માર્ટ મીટરોને લઈને ઘરોમાં વીજળી ડૂલ થઈ જતાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી તેમજ વીજ વાયરો સળગાવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્માર્ટ મીટરો હટાવવાની માગ સાથે લોકોએ ધરણાં કરી ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા. લોકોનો રોષ દિવસે ને દિવસે વધતો જાય છે.ફતેગંજ વિસ્તારના સ્થાનિક ઝબીલાબેને જણાવ્યું હતું કે
સ્માર્ટ મીટરમાં અમારું 4 દિવસમાં 500 રૂપિયા બિલ આવ્યું
છે. પહેલા બે મહિનાનું 900થી 1000 હજાર રૂપિયા આવતું
હતું. એનાથી વધારે આવતું નહોતું. અમારા જૂના મીટર
નાખી આપો અને સ્માર્ટ મીટર કાઢી જાઓ. સ્માર્ટ મીટર
નહીં હટાવે તો અમારે પહેલાંની જેમ લંગરિયા નાખવાનો
વારો આવશે. અમારા ઘરમાં બધા બીમાર માણસો છે. મારા
પતિને ડાયાબિટીસ છે, દિયરને આંખોમાં દેખાતું નથી. તેમની
દવા લાવીએ કે આવાં મોટાં મોટાં બિલો ભરીએ. અમારી
પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.
ફતેગંજ વિસ્તારનાં સ્થાનિક ઉષાબેન રાજપૂતે જણાવ્યું હતું કે પહેલાં બે મહિનાનું બિલ 1500 રૂપિયા આવ્યું અને હવે 10 દિવસમાં 1300 રૂપિયા બિલ આપ્યું અને રાત્રે લાઇટો બંધ કરી દે છે, તો અમે રાત્રે ક્યાં જઈએ. ગરમીમાં હાર્ટ-એટેક આવે અને મરી જઇએ તો અમારી જવાબદારી કોણ લેશે? એ લોકો અમને જોવા આવશે. વોટ આપ્યા પહેલાં આ કર્યું હોત તો અમે વોટ આપત જ નહીં. આ તો વોટ લીધા પછી ચાલુ કર્યું છે. અમારા સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી જઈશું.
ફતેગંજ વિસ્તારના સ્થાનિક મનહરભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર મોફૂકનો આદેશ કર્યો છે, પરંતુ અમારા ફતેગંજ વિસ્તારમાં 1 હજાર મીટર બળજબરીથી લગાવ્યાં છે. લોકોને 10 હજાર દંડ થશે એમ કહીને મીટર લગાવ્યાં છે. 500 રૂપિયાનું રિચાર્જ કરીએ તો 4થી 5 દિવસમાં પતી જાય છે અને પછી રિચાર્જ કરવા માટે ધક્કા ખાવા પડે છે. બધાનાં બિલ 2 મહિના પછી આવશે તો અમારે શા માટે એડવાન્સ રૂપિયા આપવાના? અમારી પાસે શું વધારે પૈસા છે? અમે આજે ફતેગંજ GEB ખાતે રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પણ અહીં અમારું સાંભળવાવાળું કોઈ નથી. અહીં અધિકારીઓ એસી અને પંખામાં બેસે છે, અમારે ગરમીમાં શેકાવું પડે છે. અધિકારીઓએ એસી રૂમમાંથી બહાર આવીને લોકોની તકલીફ જોવી જોઇએ.
ફતેગંજ સબ ડિવિઝનના જુનિયર એન્જિનિયર આર.કે. વરિયાએ જણાવ્યું હતું કે બધા લોકો પોતાની રજૂઆતો લઈને આવ્યા છે અને સ્માર્ટ મીટર હટાવવાની માગ કરી રહ્યા છે. હાલ લોકોનું માઇનસ બેલેન્સ જશે તો વીજ કનેક્શન ડિસ્કનેક્ટ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરને લઈને વડોદરા સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે લોકો સ્માર્ટ મીટર હટાવવાની માગ કરી રહ્યા છે.