અમદાવાદ
હાલમાં ચાલી રહેલ લોકસભા સામાન્ય ચુંટણીમાં હરિયાણા ખાતે ચુંટણી બંદોબસ્તમાં ૨,૦૦૦ હોમગાર્ડઝ સભ્યોની માંગણી થતા ગુજરાત સરકાર દ્વારા તા.૨૦/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મંજુરી આપેલ છે. જે મંજુરી મળતાની સાથે જ કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલનાઓની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓ ચાલુ કરી દીધેલ તેમજ તે અંગે સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરી તા.૨૧/૦૫/૨૦૨૪ના રોજ તમામ હોમગાર્ડઝ સભ્યોને અમદાવાદ અને વડોદરા રેલ્વે સ્ટેશન થી રવાના કરવા અંગેની કામગીરી સુચારૂ રૂપ થી કરેલ છે.લોકાભા સામાન્ય ચુંટણી બંદોબસ્તમાં અગાઉ જ્યારે ફાળવણી કરેલ ત્યારે નજીકના જ રાજયો જેવાકે રાજસ્થાન, મહરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જ ફાળવણી કરેલ હતી, પરંતુ પ્રથમ વખત હોમગાર્ડઝ સભ્યોની ફાળવણી હજારો કિલોમીટર દુર કરવામાં આવેલ છે. આ હોમગાર્ડઝ સભ્યોને હરિયાણા ખાતે મોકલી આપવા સારૂં સ્પેશિયલ ટ્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા મંજુરી આપતાની સાથે જ ર૪ કલાક ની અંદર તમામ હોમગાર્ડઝ સભ્યો અને સુપરવાઈઝરી સ્ટાફને સ્પેશિયલ ટ્રેન દ્વારા રવાના કરેલ છે. બંદોબસ્તમાં જનાર હોમગાર્ડઝ સભ્યોને તેઓના યુનિટ ખાતે થી રેલ્વે સ્ટેશન સુધી પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા પણ વાહનોની ફાળવણી કરી હોમગાર્ડઝ સભ્યોને રેલ્વે સ્ટેશન પહોંચાડવામાં મદદ કરેલ છે.
હાલમાં ઉનાળાના સમય દરમ્યાન અમદાવાદમાં ૪૫ ડિગ્રી અને હરિયાણામાં ૪૭ ડિગ્રી જેટલું તાપમાન હોવાથી સરકાર દ્વારા રેડ એલર્ટ જાહેર કરેલ છે, જેથી બંદોબસ્તમાં જનાર તમામ અધિકારી / સભ્યોને આ સમયગાળામાં ગરમીથી બચવા અને શરીરમાં પાણીની ઉણપ ન થાય તેમજ બંદોબસ્તમાં પૂર્ણ નિષ્ઠાથી તેઓ ફરજ બજાવે તેની તમામ તકેદારી રૂપે ધ્યાને લેવાની સૂચનાઓ કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલનાઓ દ્વારા આપવામાં આવેલ છે. તેમજ ખોડિયાર રેલ્વે સ્ટેશન, અદાણી શાંતિગ્રામ, અમદાવાદ ખાતે કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ દ્વારા બંદોબસ્તમાં જનાર અધિકારી / સભ્યોને વિદાય આપવામાં આવેલ હતી અને જે દરમ્યાન તમામ હોમગાર્ડઝ સભ્યો હરિયાણા ખાતે ચુંટણી બંદોબસ્તને લઈ ખૂબ જ ઉત્સાહી જોવા મળ્યા હતા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર તેઓના માર્ગદર્શન હેઠળ હોમગાર્ડઝ વિભાગ દ્વારા ખુબ જ ટુંકા સમયગાળામાં એટલે કે માત્ર ૨૪ કલાકની અંદર ૨,૦૦૦ હોમગાર્ડઝ સભ્યોને હરિયાણા ખાતે લોકાભા સામાન્ય ચુંટણી બંદોબસ્ત માટે રવાના કરેલ હોવાથી કમાન્ડન્ટ જનરલશ્રી મનોજ અગ્રવાલ અને તમામ અધિકારી / કર્મચારીઓને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ છે.
વધુમાં ૨૧ મે નો દિવસ આંતકવાદ વિરોધી દિવસ તરીકે જાહેર થયેલ છે, જે અન્વયે ૨૧ મે,૨૦૨૪ ના રોજ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલનાઓની હાજરીમાં તમામ અધિકારી / કર્મચારીઓ અને હોમગાર્ડઝ સભ્યો દ્વારા ખોડિયાર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન રવાના થાય તે પહેલા આંતકવાદ વિરોધી પ્રતિજ્ઞા પણ લેવામાં આવેલ છે.