વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામમાં સાળા અને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડામાં રોષે ભરાયેલા પતિએ પત્નીના માથામાં ધારિયાના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આક્રોશની સીમા ઓળંગી ગયેલા હત્યારા યુવકે પોતાના પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘરમાં હાજર માતાએ તેને બચાવી લીધો હતો.જોકે તેમાં માતાને સામાન્ય ઇજા પહોંચી હતી.
શિનોર તાલુકાના દિવેર ગામના ટેકરાવાળા ફળિયામાં જસ્મીન શંકરભાઈ પાટણવાડીયા પત્ની સીમાબેન, બે બાળકો અને માતા ચંપાબેન સાથે રહે છે. છૂટક મજૂરી કામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. અવારનવાર પતિ પત્ની વચ્ચે નાના મોટા ઝઘડા થતાં હતાં. પરંતુ, ઘટનાની પૂર્વ રાત્રે થયેલા ઝઘડામાં બે બાળકોને માતાની છત્રછાયા ગુમાવવાનો વખત આવ્યો છે.
ગત રવિવારના રોજ જસ્મીન પોતાની પત્ની તેમજ બે બાળકો સાથે ભરૂચ જિલ્લાના વગુસના ગામમાં સાસરીમાં ગયો હતો. જ્યાં તેને પોતાના સાળા મિતેશ પાટણવાડીયા અને પત્ની સીમા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન જસ્મીને પોતાના સાળા સામે પત્નીને ધમકી આપી હતી કે તને હવે જીવતી રહેવા નહીં દઉં. તને મારી નાખીશ. જોકે જે તે સમયે મામલો શાંત પડી ગયો હતો. પરંતુ જસ્મીનના મગજમાંથી રોષનો પારો ઉતર્યો ન હતો.
દરમિયાન જસ્મીન પત્ની અને બાળકો લઈને પરત પોતાના ગામ દિવેર આવી ગયો હતો. જેમાં જસ્મીનની પત્ની સીમાબેન વાડામાં પાણી ભરી રહી હતી, જ્યારે તેની માતા ચંપાબેન અને પુત્ર હેનીલ શાકભાજી કાપી રહ્યા હતા. તે સમયે જસ્મીન ધારિયું લઈને વાડામાં પાણી ભરી રહેલી પત્ની સીમાના માથામાં ઉપરાછાપરી ધારિયાના બે ઘા મારી દીધા હતા અને સ્થળ પર જ ઢીમ ઢાળી દીધું હતું. બનાવ અંગે શિનોર પોલીસે ગુનો નોંધી હત્યારા પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.