મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાંથી 130 કિલો સોનુ ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ સહિતના લોકો દ્વારા ઉચાપતના ગંભીર આક્ષેપો કરતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે.
જાહેરહિતની રિટ અરજીમાં વર્ષ 2012થી લઇ 2024ના વર્ષ સુધીના ઓડિટ-હિસાબોની તપાસ કરાવવા અને રાજય સરકાર દ્વારા સમગ્ર ઉચાપત પ્રકરણ મામલે વિશેષ કમીટી રચી તપાસ કરાવવા દાદ માંગવામાં આવી છે. આદર્શ કો.ઓ.બેંકના કૌભાંડી ચેરમેન મુકેશ મોદીના પૈસામાંથી 65 કિલો સોનુ ખરીદાયુ અને મેનેજમેન્ટ કમીટીના સભ્યોએ પોતાની પાસે રાખી મૂકયુ છે. મેનેજમેન્ટ કમીટીના સભ્યો દ્વારા આ 65 કિલો સોનુ મંદિરમાંથી લવાયુ છે તેનો હિસાબ અપાયો નથી. તેથી તેની પણ સ્વતંત્ર તપાસની માંગણી કરવામાં આવી છે. આ પીઆઇએલની વધુ સુનાવણી આવતા મહિને વેકેશન બાદ નીકળે તેવી શકયતા છે. ઘંટાકર્ણ મહાવીર જિનાલયનો વહીવટ અને સંચાલન સુચારુરૂપે થાય તે હેતુસર પબ્લીક ડોમેનમાં તમામ હિસાબો સ્પષ્ટ કરવા પણ પિટિશનમાં માંગ કરાઇ છે. અરજદાર જયેશ મહેતા તરફ્થી કરાયેલી પીઆઇએલમાં મંદિરની હાલની રચાયેલી કમીટી ગેરકાયદે અને બની બેઠેલા સભ્યોની હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરની કમિટીના સભ્યો દ્વારા 2016માં નોટબંધી દરમ્યાન 20 ટકા કમીશનથી જૂની નોટો બદલી ગેરરીતિ આચરાઇ હોવાની ફરિયાદ પણ અરજદાર તથા અન્યો દ્વારા સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ કરાઇ હતી.