અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના માલપુર રોડ બાયપાસ નજીક આવેલા તિરુપતિ રાજ બંગ્લોઝમાં શંકાસ્પદ કામગીરી થતી હોવાની ફરિયાદ બાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બુધવારે સાંજે ઓચિંતા જ તેમના કેટલાક મિત્રો સાથે જનતા રેડ કરી હતી. તેઓએ ખાનગી બંગ્લોઝમાં અરવલ્લી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના વર્તમાન અને રિટાયર્ડ થયેલા પૂર્વ ઉચ્ચ અધિકારી દ્વારા શંકાસ્પદ કચેરી ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ કરતા ચકચાર મચી ગઇ હતી.
ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જયારે તિરુપતિ રાજ બંગ્લોઝમાં આવેલા A-129 નંબરના મકાનમાં પહોંચ્યા ત્યારે જિલ્લાના પૂર્વ કાર્યપાલક ઈજનેર પી.એમ. ડામોર, વર્તમાન ડેપ્યુટી ઈજનેર નરેશભાઈ પરમાર સહીત અન્ય પાંચ વ્યક્તિઓ હાજર મળી આવ્યા હતા. ધારાસભ્યએ પ્રાથમિક તપાસ કરતા મકાનમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કેટલીક ફાઈલો તેમજ મોટી સંખ્યામાં રબર સ્ટેમ્પ જણાઈ આવ્યા હતા. આ સ્થિતિ વચ્ચે ધવલસિંહ ઝાલાએ તાત્કાલિક કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીનો સંપર્ક કરી વાકેફ કરતાં અધિકારીઓએ તાત્કાલિક મોડાસા ટાઉન પોલીસ અને ડેપ્યુટી ડીડીઓને સ્થળ પર મોકલી આપી તપાસ કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
ડે. ડીડીઓ અરવિંદ પ્રજાપતિએ નિયમાનુસાર સ્થળ પરથી કોમ્પ્યુટર, અન્ય કાગળો તેમજ રબર સ્ટેમ્પ સહિતની વસ્તુઓ પંચનામું કરી કબ્જે લીધું હતું. જેની સંપૂર્ણ તપાસ ઉચ્ચ અધિકારીઓની સૂચના પ્રમાણે કરાયા બાદ આ બાબતે ચોક્કસ પણે સાચી હકીકત બહાર આવશે. હાલ ખાનગી મકાનમાં શંકાસ્પદ કોઈ કામગીરી કરાતી હતી કે કેમ તે કહી શકાય નહીં.
જયારે રિટાયર્ડ થયો ન હતો ત્યારથી આ મકાન ભાડે રાખી કચેરી સમય બાદ તેઓનો વર્કલોડ ઓછો કરવા કામગીરી કરતો હતો. મકાનમાંથી મળી આવેલી કેટલીક સરકારી ફાઈલો અને રબર સ્ટેમ્પ જૂના છે તેમજ આ સાહિત્યનો વર્તમાનમાં કોઈ જ દુરુપયોગ કરવામાં આવતો નથી.- પીએમ ડામોર, રિટાયર્ડ કાર્યપાલક ઈજનેર
જિલ્લા સિંચાઈ વિભાગના બે તળાવોના જવાબ સરકારમાં કરવાના હોવાથી પોતે પીએમ ડામોર પાસે માર્ગદર્શન માટે આવ્યા હતા. તેઓએ આપેલા માર્ગદર્શન મુજબ એમબી રેકોર્ડ કરી જવાબ લખવામાં આવી રહ્યો હતો ત્યારે ધારાસભ્યએ પોતાના મિત્રો સાથે આવી અહીં શંકાસ્પદ કચેરી ચાલતી હોવાનો હોબાળો મચાવી દીધો હતો પરંતુ તેઓએ કરેલા આક્ષેપમાં કોઈ જ તથ્ય નથી.- નરેશભાઈ પરમાર, ડેપ્યુટી ઈજનેર, અરવલ્લી