ગુજરાતમાં મદ્રેસા તથા તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વિશે હાથ ધરાયેલા સર્વેમાં એવો ખુલાસો થયો છે કે 7000થી વધુ વિદ્યાર્થીઓ સ્કુલને બદલે માત્ર મદ્રેસામાં જ શિક્ષણ મેળવે છે. આ વિદ્યાર્થીઓને હવે સ્કુલોમાં શિક્ષણ સાથે જોડવામાં આવશે.રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા પંચના આદેશના આધારે ગુજરાતમાં મદ્રેસાઓનો સર્વે કરાવાયો હતો.
7000થી વધુ બાળકો માત્ર મદ્રેસામાંથી જ શિક્ષણ મેળવતા હોવાથી શિક્ષણ અધિકાર કાયદાનો ભંગ થતો હોવાનુ માલુમ પડયુ છે. રાજયભરની 1300 મદ્રેસામાં હાથ ધરાયેલા સર્વેમાં એવુ બહાર આવ્યુ હતું કે 80000થી વધુ વિદ્યાર્થીઓ તેમાં શિક્ષણ મેળવવા જાય છે તેમાંથી 7000 માત્ર મદ્રેસામાં જ શિક્ષણ લ્યે છે જયારે બાકીના મદ્રેસા ઉપરાંત સ્કુલોમાં પણ અભ્યાસ કરે છે.
માત્ર મદ્રેસાઓમાં જ ભણતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા ભાવનગર જીલ્લામાં નોંધાઈ હતી જયાં 1400 જેટલા વિદ્યાર્થી સ્કુલોમાં સમાંતર શિક્ષણ લેવાને બદલે માત્ર મદ્રેસાનુ જ શિક્ષણ મેળવે છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા બનાસકાંઠામાં 1100 તથા કચ્છમાં 600ની રહી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું કે આ 7000 વિદ્યાર્થીઓને નિયમિત સ્કુલ શિક્ષણમાં આવરી લેવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. સ્કુલમાં અભ્યાસ બાદ મદ્રેસામાં પૂરક શિક્ષણ મેળવે તેવી ગોઠવણ કરાશે. આગામી જુન મહિનામાં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન આવા વિદ્યાર્થીઓના વાલીઓ સુધી પહોંચવા પ્રાથમીક શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ અધિકાર પંચના આદેશ મુજબ શિક્ષણ વિભાગે મદ્રેસાએ તથા તેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી એકત્રીત કરવાનો પરિપત્ર ઈસ્યુ કર્યો હતો. રાજયમાં 1300 મદ્રેસા હોવાનું સરકારના ધ્યાનમાં હતું તે સિવાય પણ વધારાના મદ્રેસા હોય તો તેની વિગત આપવા પણ કહેવાયુ હતું.
મદ્રેસાઓનું સંચાલન કરતી સંસ્થાનું નામ, સરકાર કે અન્ય કોઈ સરકારી વિભાગની માન્યતા ધરાવે છે કે કેમ તથા ફાયર એનઓસી સહિતના નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તેની માહિતી એકત્રીત કરવા પણ સુચવાયુ હતું. દરેક મદ્રેસાના વિદ્યાર્થીઓની સંખ્યા, અભ્યાસનોસમય, શિક્ષકોના પગાર તથા આવકના સ્ત્રોતની માહિતી પણ માંગવામાં આવી હતી. મદ્રેસાઓને મળતા દાન, વિદ્યાર્થીઓ પાસેથી વસુલાતી ફી, વિદ્યાર્થીઓની ઉમર પણ વિગતો લેવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું કે મદ્રેસામાં જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. કારણ કે 39 મદ્રેસાઓમાં સર્વે અધિકારીઓને પ્રવેશ જ મળી શકતો ન હતો. બાકીના મદ્રેસાઓની વિગતો પણ વ્હેલીતકે પહોંચાડવા શિક્ષણાધિકારીઓને સૂચના આપવામાં આવી છે.