ભારતીય દંડ સંહિતાને બદલે ભારતીય ન્યાય સંહિતા આધારિત નવા કાયદા ટૂંક સમયમાં અમલમાં આવી રહ્યા છે ત્યારે આ કાયદાની પ્રક્રિયા સાથે સંકળાયેલા નિષ્ણાતોનો દાવો છે કે નવા કાયદા અમલમાં આવ્યા પછી ન્યાયની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.
આ નિષ્ણાતોનો એવો પણ દાવો છે કે, અદાલતી કાર્યવાહીના સમયમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે અને ઘણા ટૂંકા ગાળામાં ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરીને ચુકાદો આપવામાં આવે તે માટે વિશેષ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો, મિનિસ્ટ્રી ઑફ ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ, ભારત સરકારના સહયોગથી પત્રકારો માટે ત્રણ નવા ફોજદારી કાયદા પર કેન્દ્રિત એક વર્કશોપનું આજે 24 મેને શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ નવા ફોજદારી કાયદા ભારતમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023, ભારતીય ન્યાય સંહિતા (BNS)2023, ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 છે. આ નવા ફોજદારી કાયદાઓનો કેવી રીતે અમલ કરાશે? કેવા પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા છે? જેની તમામ માહિતી ગુજરાત પોલીસના ટ્રેનિંગ ADGP ડો. નીરજા ગોતરુંએ વિસ્તૃતમાં આપી હતી.
કાયદાને ભારતીય નૈતિકતા સાથે સુસંગત બનાવવા માટે નવા ફોજદારી કાયદાઓ વધુ પીડિત કેન્દ્રિત બનવા તરફ નોંધપાત્ર ફેરફારો સાથે લાવવામાં આવ્યા છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023, ખેડૂતોના અધિકારોને ઘણી રીતે વ્યાખ્યાયિત અને સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ ન્યાય સંહિતામાં એવી 30થી વધુ જોગવાઈઓ છે જે પીડિતોના અધિકારીઓને પ્રાધાન્ય આપીને અસરકારક રીતે સુરક્ષિત કરે છે.
25 ડિસેમ્બર 2023 ના રોજ કાયદો બનવા સાથે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. જુના કાયદાઓ હત્યા અને મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં કાર્યવાહીને પ્રાથમિકતા આપવાને બદલે બ્રિટિશ ક્રાઉનની સુરક્ષાને પ્રાથમિકતા આપતા હતા. ત્રણ નવા કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સજાને બદલે ન્યાય આપવાનો છે. ભારતીય ભાવના સાથેના ત્રણ કાયદા પ્રથમ વખત આપણી ફોજદારી ન્યાય પ્રણાલીને ભારત દ્વારા, ભારત માટે અને ભારતીય સંસદ દ્વારા બનાવેલા કાયદાઓ દ્વારા સંચાલિત કરાશે.
નવા ફોજદારી કાયદા 1 જુલાઈ 2024 થી અમલમાં આવશે. આ કાયદાના અમલ પછી FIR થી લઈને કોર્ટના નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયા ઑનલાઈન થઈ જશે અને ભારત એવો દેશ બની જશે જે તેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજીનો સૌથી વધુ ઉપયોગ કરે છે. આ કાયદાઓ તારીખ દર તારીખની (લોકપ્રિય ભાષામાં – તારીખ પે તારીખ) પ્રથાનો અંત સુનિશ્ચિત કરશે અને દેશમાં ન્યાયિક પ્રણાલી સ્થાપિત કરશે જેના દ્વારા ત્રણ વર્ષમાં ન્યાય મળી શકે.
અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્કશોપ દરમિયાન હમ દેખેંગે ન્યૂઝ દ્વારા ખાસ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, તમે ત્રણ વર્ષમાં ન્યાય પ્રક્રિયા પૂર્ણ કરવાની વાત કરો છો તો તેનો અમલ કેવી રીતે થશે? તેના જવાબમાં ડૉ. નીરજા ગોતરુંએ કહ્યું હતું કે, આ અંગે દેશભરના ન્યાયમૂર્તિઓને ખાસ તાલીમ આપવામાં આવશે.
ADGP ડૉ. નીરજા ગોતરુંએ પત્રકારોને કાયદાઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નવા ફોજદારી કાયદાઓમાં મુખ્ય મુદ્દાઓ તરીકે સમયસર ન્યાય, નવા ફોજદારી કાયદા ન્યાય કેન્દ્રિત છે સજા કેન્દ્રિત નથી, મહિલાઓ અને બાળકો સામેના ગુના, ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી, ગુનેગારો અથવા સાક્ષીઓની ગેરહાજરીમાં ટ્રાયલ, ટેકનોલોજીનો ઉપયોગ, ડિરેકટોરેટ ઑફ પ્રોસિક્યુશન, ફોરેન્સિકનો પ્રચાર, ન્યાયધિશોને લગતી જોગવાઈઓ, મોબ લિંચિંગ, સંગઠિત ગુનો, પીડિત-કેન્દ્રિત કાયદા, પોલીસની જવાબદારીમાં વધારો, રાજદ્રોહ રદ કરવો અને દેશદ્રોહ કરવાની વ્યાખ્યા, આતંકવાદની વ્યાખ્યા, પુરાવા માટે ટેકનોલોજીને વધુ મહત્ત્વ આપવું, ન્યાય પ્રણાલીને ઝડપી બનાવવી, વિચારાધીન અને સાક્ષીઓનું રક્ષણ સહિતના મુખ્ય મુદ્દા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ડૉ. નીરજા ગોતરુંએ નવા ફોજદારી કાયદાઓમાં કરવામાં આવેલા ફેરફારો પર વાત કરતા જણાવ્યું હતું કે 600 થી વધુ સુધારા અને ઉમેરા કાઢી નાખવા સાથે ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીને વર્તમાન પડકારોનો સામનો કરવા માટે ફોજદારી કાયદાઓને પારદર્શક આધુનિક અને તકનીકી રીતે કાર્યક્ષમ માળખામાં લાવવામાં આવ્યા છે. જેમાં મુખ્ય મુદ્દા તરીકે પીડિત અને સાક્ષીને ફોજદારી કાયદાનું કેન્દ્ર બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ અને કોર્ટની પુરાવા અને જવાબદારીની વિશ્વસનીયતા વધારવા, પારદર્શક અને જવાબદાર ન્યાય પ્રણાલી માટે છટકબારીઓ દૂર કરવી, રાષ્ટ્રની શાંતિ અને સુરક્ષાને મજબૂત બનાવવી-રાષ્ટ્રના અધિકારોનો પરિચય, મહિલાઓને બાળકોનું શોષણથી રક્ષણ કરવું, નાગરિકોની સુરક્ષા માટેના સમકાલીન જોખમોને ઓળખવા તેમજ કાયદાને વધુ સમાવિષ્ટ બનાવવા સહિતના ફેરફારો કરવામાં આવ્યા છે.