ગઈકાલે શહેરના નાના મૌવા પાસે મોકાજી સર્કલ પાસે આવેલ ટી.આર.પી ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી હતી. ભીષણ આગ લાગવાના સમાચાર ફટાફટ ફેલાતા અનેક લોકો ત્યાં પહોંચ્યા હતા. કોઈ તેના સ્વજન માટે, કોઈ મિત્ર માટે. એ જ રીતે અંકુર સંખાલા નામનો યુવાન જે ટી.આર.પી ગેમ ઝોન પર પહોંચ્યો હતો કારણ કે તેના મિત્ર અંદર હતા. સ્વાભાવિક છે કે આગ એટલી વિકરાળ હતી કે કોઈને અંદર જવાની મનાઈ હતી અને પોલીસ અને ફાયર ફાઈટર રેસ્ક્યુની પૂરી જહેમત ઉઠાવી રહ્યા હતા.તે સમયે આ યુવાન અંકુરને ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઈ. ગોંડલિયા દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને રકઝક થઈ હતી.
પોલીસને પ્રાથમિક રીતે થયું કે અંકુર સ્થળનો માલિક છે પરંતુ તમામ પુરાવા આપ્યા અને તેને જવા દેવામાં આવ્યો હતો. આ રકઝક થઈ તે અમુક મીડિયા દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. અને અંકુરને ટી.આર.પી ગેમ ઝોનના માલિક અને હવે આરોપી યુવરાજસિંહ સોલંકી તરીકે ફોટો અને સમાચાર વાયરલ થઈ ગયા હતા. આ વ્યક્તિ તો ત્યારબાદ ઘરે જતો રહ્યો હતો પરંતુ શનિવાર રાતથી તે સૂઈ નથી શક્યો. એક તો આગના બનાવનું દુ:ખ અને બીજું અસંખ્ય ફોન કોલ આવ્યા. આ ઉપરાંત અનેક અખબાર અને મીડિયા ચેનલ દ્વારા તેનો ચેહરો આરોપી તરીકે દર્શાવતા પરિવારજનો અને મિત્રોના ફોન કોલ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો. પરંતુ આ વ્યક્તિ કાપડનો વેપારી છે અને તે આરોપી નથી, તેવું તેને જણાવ્યું હતું.