TRP ગેમિંગ ઝોનમાં લાગેલી આગજનીના બનાવમાં માસૂમ બાળકો સહિત કુલ 28 લોકોના મોત થયા છે. રાજ્યભરમાં વિવિધ શહેરોના ગેમઝોન બંધ કરવામાં આવી રહ્યાં છે. આ ભયાનક ઘટના બાદ પણ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. મનપાની લાલિયાવાડીનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.
જણાવી દઈએ કે,TRP ગેમઝોન ખાતે અગ્નિ કાંડ સામે આવ્યા બાદ ફાયર સેફ્ટીના સાધનો ખરીદી કરી હોવાની વિગતો સામે આવી છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર જાણે સફાળું જાગ્યું હોય એમ વિવિધ શહેરોમાં ગેમઝોન બંધ કરવામાં આવી રહ્યાં છે. ગેમઝોનમાં ફાયરસેફટી છે કે નહિ તેમજ noc બાબતે માહિતી મેળવવા માટે માહિતી મેળવી તો છેલ્લા બે વર્ષથી આ ફન બ્લાસ્ટ ચાલી રહ્યું છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આ ફન બ્લાસ્ટે ,TRP ગેમઝોન કાંડ બાદ ફાયર સેફટીના સાધનો ખરીદ્યા છે. 25મે 2024ના રોજ ફાયર સેફ્ટીના સાધનો ખરીદાયા હતા. એટલે કે જયારે અગ્નિકાંડ પછી તંત્ર એક્શનમાં આવ્યું ત્યારે પોતાનો લૂલો બચાવ કરવા માટે તેમને તરત જ આ સાધનો ખરીદ્યા હતા.
ફાયરસેફટીના કેટલાક સાધનો છેલ્લે 25મે 2024ના રોજ ખરીદાયા હતા ત્યાર બાદ કોઈ જ પ્રકારની સંચાલકોએ ફાયરસેફટીને લઈને જવાબદાર બન્યું હોય એવું લાગતું નથી. ગેમઝોનમાં ઉપસ્થિત કર્મચારીને જયારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપ્યા હતા. તેમને કહ્યું કે, અમારી પાસે તો પહેલેથી જ સેફટીના સાધનો છે, અમે પૂરતું ધ્યાન રાખીએ છીએ પરંતુ જયારે TRP માં ઘટના બની એ પછી અમારા સંચાલકોને લાગ્યું કે આપણે ત્યાં કોઈ અગમ્ય દુર્ઘટના બનતા પહેલા સેફટીના વધારો કરવા માટે આ સાધનો ખરીદવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે,રાજ્યભરમાં આવા કેટલાય ગેમઝોન ચાલતા હશે જ્યાં પૂરતા ફાયરસેફટીના સાધનો પણ નહિ હોય અને ક્યાંય nocની પરમિશન પણ નહિ મળી હોય તેમ છતાં આવા ગેમઝોન ધમધમતા હશે. ક્યાં સુધી આવા અગ્નિકાંડ થતા રહેશે અને ક્યાં સુધી માસુમ લોકોનો જીવ ભોગ લેવાતો રહેશે? જેનો પ્રશ્ન તો એમ જ ઉભો જ છે અને કદાચ તેનો જબાવ પણ નથી.