રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ માટે ગુજરાત હાઇકોર્ટે મનપા કમિશ્નરને જવાબદાર ઠેરવ્યા છે. હાઇકોર્ટે સોય ઝાટકીને જણાવ્યું હતું કે આરએસસીએ હાઇકોર્ટના આદેશનું પાલન ન કર્યુ, તેની સાથે હાઇકોર્ટે તેમણે અગાઉ આપેલા આદેશનું પાલન કેમ ન કરવામાં આવ્યું તેનો જવાબ માંગ્યો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (આરએમસી)ના સંલગ્ન ફાયર ઓફિસરને સોગંદનામુ રજૂ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે ગેમઝોન બન્યો ત્યારથી લઈ અત્યાર સુધી ચાલ્યો તે જોતાં આ સમયગાળા દરમિયાનના બધા મ્યુનિસિપલ કમિશ્નર તેના માટે જવાબદાર છે.
રાજકોટ ગેમિંગ ઝોનના કરુણાંતિકાના મુદ્દે હાઇકોર્ટે તંત્રને આકરા સવાલો કર્યા છે. આ કેસની સુનાવણી કરતાં હાઇકોર્ટે જણાવ્યું છે કે રાજ્યની મશીનરી પર ભરોસો રહ્યો નથી. રાજકોટ ગેમિંગ ઝોન તે અકસ્માત નથી પણ માનવસર્જિત દુર્ઘટના છે. તેની સાથે તેણે રાજયમાં મંજૂરી વગર ધમધમતા ગેમિંગ ઝોન અંગે જણાવ્યું હતું કે રાજ્યભરના મંજૂરી વગરના ગેમિંગ ઝોન બંધ થવા જોઈએ.
હાઇકોર્ટે રાજકોટ મનપાને વેધક સવાલ કર્યા છે કે રહેણાક વિસ્તારમાં મંજૂરી વગર આ ગેમિંગ ઝોન ચાલતો હતો તો તેણે કેમ પગલાં ન લીધા. નાગરિકનો જરા પણ વેરો બાકી હોય તો નોટિસ ફટકારવામાં પાછીપાની તંત્ર કરતું નથી, જ્યારે આટલો મોટો ગેમિંગ ઝોન રહેણાક વિસ્તારમાં બની કેવી રીતે બની ગયો, જ્યારે વાસ્તવમાં રહેણાક વિસ્તારમાં આ પ્રકારનો ઝોન હોવો જ ન જોઈએ. ચાર-ચાર વર્ષથી આ ગેમિંગ ઝોન ચાલતો રહ્યો તો રાજકોટ મનપાની નીંદર કેમ ન ઉડી. રાજકોટ મનપાએ આ રીતે ગેરકાયદેસર રીતે ચાલતા ગેમિંગ ઝોન સામે કેમ આંખ આડા કાન કર્યા તેમ પૂછ્યું હતું.
હાઇકોર્ટનો સવાલ એ હતો કે આ 28 નિર્દોષોના મોતની જવાબદારી કોણ લેશે. ગેરકાયદેસર રીતે ગેમિંગ ઝોન બનાવનાર સામે કોઈપણ પ્રકારના પગલાં કેમ ન લેવાયા. આ કેસમાં આરોપીઓની મિલકત ટાંચમાં લેવાની રજૂઆત કરવામાં આવી છે. જાહેર કરવામાં આવેલા વળતરમાં પણ વધારો કરવાની માંગ છે. આરોપીઓની મિલકતો વેચીને પણ લોકોને વળતર આપવામાં આવે તેવી માંગ છે.
ગુજરાત હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું કે, અગ્નિકાંડ મામલે રિપોર્ટ તૈયાર કરો. RMCની જવાબદારી નક્કી કરો. આ એક વખતની દુર્ઘટના હોય તેમ નથી, દર વખતે, હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો અનાદર કરવામાં આવે છે. CID ક્રાઈમ, SIT સહિતની ટીમોને જવાબ રજૂ કરવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટે ટકોર કરી છે, સરકાર આ વાત હંમેશા યાદ રાખે. ફાયર સેફ્ટીનાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. CCTV ફૂટેજમાં વેલ્ડિંગ વખતે આગ લાગતાનું જણાતાં હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું, શા માટે ગેમઝોન ચાલુ રાખવામાં આવ્યો હતો. તમને લોકોના જીવની પડી નથી?