ગાંધીનગરના સેકટર – 11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલ હાર્દિક ગેસ એજન્સીના ઓથોરાઇઝ્ડ સીગ્રેટરીએ (સંચાલક) ધંધાનાં વિકાસ અર્થે લીધેલા 8 લાખની અવેજીમાં આપેલા ચેક રીટર્ન થવાનો કેસ ગાંધીનગરનાં નવમા ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ. 5 લાખ 50 હજારનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
ગાંધીનગરના કુડાસણ ખાતે અક્ષર બંગલોમાં રહેતા 50 વર્ષીય ભરતભાઈ કાળાભાઈ પટેલ ખેતી – વેપાર કરી ગુજરાન ચલાવે છે. જ્યારે સેકટર – 11 મેઘ મલ્હાર કોમ્પલેક્ષ ખાતે આવેલ હાર્દિક ગેસ એજન્સીના વહીવટકર્તા હાર્દિક રાવલ છે. ભરતભાઈ હાર્દિક ગેસ એજન્સીએ અવાર નવાર આવતાં જતાં હોવાથી હાર્દિક રાવલ સાથે મિત્રતા થઈ હતી. બાદમાં નવેમ્બર – 2020 માં ધંધાના વિકાસ અર્થે હાર્દિકે મિત્રતાના નાતે ભરતભાઈ પાસે રૂ. 8 લાખ હાથ ઉછીના માંગ્યા હતા. જેથી ભરતભાઈએ બે લાખની સગવડ કરીને RTGS મારફતે હાર્દિકને આપ્યા હતા. અને બીજા 6 લાખ ડિસેમ્બર – 2020 સુધીમાં ટુકડે ટુકડે રોકડાં આપ્યા હતા. આ પૈસા બે વર્ષમાં ચૂકવી આપવાની બાંહેધરી આપી હાર્દિકે 2 પ્રોમીસરી નોટ લખી સહી પણ કરી આપી હતી. જો કે વાયદા મુજબનો સમય વીતી જતા ભરતભાઈએ પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. જેની અવેજીમાં હાર્દિકે બેંક ઓફ બરોડાનો હાર્દિક ગેસ એજન્સીનાં નામના 5 અને 3 લાખના બે ચેક તા. 13/2/2023 નાં રોજના લખીને ભરતભાઈને આપ્યા હતા. જે ચેક 13 એપ્રિલ 2023 નાં રોજ ડિપોઝીટ કરાવતા પૈસા મળી જશે એવી બાંહેધરી પણ આપી હતી.
જેનાં પગલે ભરતભાઈએ ત્રીજી માર્ચ 2023 નાં રોજ ચેક બેંકમાં જમા કરાવતા અપૂરતા બેલેન્સના શેરા સાથે ચેક રિટર્ન થયો હતો. જેથી પાંચ લાખનો ચેક રીટર્ન થતાં ભરતભાઈએ બીજા ત્રણ લાખ ક્યાંથી મળશે એવું કહેતા હાર્દિકે કહેલ કે, મારે એક જગ્યાએથી નાણાં આવવાના હતા, પણ આવ્યા નથી. પરંતુ ટૂંક સમયમાં પૈસા આપી દેવાનો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો. અને હાર્દિકે એક ફિક્સ ડિપોઝીટ પાકવાની હોઈ બીજો ચેક 13 એપ્રિલે બેંકમાં જમા કરાવવા કહ્યું હતું. જ્યારે બાકીના પાંચ લાખ પંદર દિવસમાં ચૂકવી દેવાની બાંહેધરી આપી હતી.
જો કે વાયદા મુજબ નાણાં નહીં મળતા ભરતભાઈએ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ વકીલ મારફતે નોટિસ આપી છતાં હાર્દિકે કાયદેસરની બાકી રકમ પાંચ લાખ પરત કરવાની કોઈ દરકાર કરી ન હતી. આખરે ભરતભાઈએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ગાંધીનગરનાં નવમા ચીફ જ્યુડીશ્યલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ. 5.50 લાખનો દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.