ગાંધીનગરના કોલવડા કન્યા શાળાની સામે પત્નીની પજવણી મુદ્દે ઠપકો આપતાં ગામના પાંચ ઈસમોએ તલવાર, છરી અને પાઈપ વડે શ્રમજીવી પરિવાર ઉપર ઘાતકી હૂમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના કોલવડા ગામમાં રહેતા 52 વર્ષીય વૃદ્ધના પરિવારમાં પત્ની અને સંતાનમાં બે દિકરા દીકરીઓ છે. છેલ્લા પંદરેક દિવસથી અમારા વાસમા રહેતા પુનમભા રાવળ ઘરની નજીક આવેલ જોગણી માતાના મંદીર પાસે બેસી રહી તેમની પત્નીને નોકરીએ નીકળતી વેળાએ ખૂંખારા ખાઈને પજવણી કરવામાં આવતી હતી. આથી તેમણે ઠપકો આપતા પૂનમભાઈ હું કોઈને હેરાન નહીં કરતો હોવાનો ખુલાસો કરી ત્યાંથી નીકળી ગયા હતા.
ત્યારે રાત્રીના વૃદ્ધ તેમના નાના દીકરા, પુત્રવધૂ બાજુમાં રહેતી દીકરીના ઘરે જમી પરવારીને બેઠા હતા. એ વખતે પુનમભાઈ તથા તેમના ભાઈ પોપટભાઈ, તેનો ભત્રીજો હિતેષ ત્યાં પહોંચી ગયા હતા. અને કેમ મારું ખોટું નામ લીધું કહીને પૂનમભાઈએ માથાકૂટ કરી હતી. જેનાં પગલે બોલાચાલી થતાં તેણે તલવાર વૃદ્ધના જમણા હાથે મારી દીધી હતી. આ જોઈને પિતાને છોડાવવા વચ્ચે પડેલી દીકરીને હિતેશે પાઈપ મારી દીધી હતી.
આ દરમ્યાન વૃદ્ધનાં પત્ની નોકરીથી ઘરે પહોંચતા તેમને પણ બધાએ ભેગા મળીને ગડદાપાટુનો માર માર્યો હતો. અને પોપટભાઈએ છરી વડે હૂમલો કરતાં તેણીને કપાળના ભાગે છરી વાગી હતી. આ હુમલાના પગલે હોબાળો મચી જતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેની થોડીવાર પછી દિનેશભાઈ રાવળ અને તેનો મહેશ રાવળે પાઈપ વડે હૂમલો કર્યો હતો. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.