ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આવેલાં ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર પ્રોજેક્ટમાં કામ કરતી બે મહિલા કર્મચારીએ પોતાના ઉચ્ચ અધિકારી સામે જાતિય સતામણી અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી હતી. મહિલા કર્મચારીઓની ફરિયાદની ગંભીરતા સમજી રાજ્ય સરકારે ત્વરિત પ્રતિભાવ આપતાં સમગ્ર ઘટનાની તપાસ કરવા એક સમિતિની પણ રચના કરી દીધી હતી.તદઉપરાંત જાતિય સતામણી વિરુદ્ધ રક્ષણ અપાવવાના હેતુસર આ ફરિયાદને ઇન્ટરનલ કમિટિને પણ મોકલી આપવામાં આવી હતી.
એક મહિલા કર્મચારીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો કે તેઓને અગાઉ ચર્ચા કરાયેલાં પ્રોજેક્ટમાંથી પડતી મૂકવામાં આવી હતી અને તેના ઉચ્ચ અધિકારી તેઓની કારકિર્દી ખતમ કરી નાંખવા પ્રયત્નો કરી રહ્યા છે. તપાસ સમિતિએ પોતાની તપાસ પણ પૂર્ણ કરી દીધી હતી અને હવે પછીની કાયદેસરની કાર્યવાહી કરવા પોતાનો રિપોર્ટ પણ વિભાગને મોકલી આપ્યો હતો એમ, ગિફ્ટ સિટીના સૂત્રોએ કહ્યું હતું.
ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે, કાર્ય કરવાની શૈલી (વર્ક કલ્ચર) જ ખૂબ નબળી છે અને કામ કરવાના સ્થળે મહિલાઓ છેલ્લાં છ મહિનાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ મહિલા કર્મચારીઓએ એવો પણ આરોપ મૂક્યો હતો કે, તેમના ઉચ્ચ અધિકારીએ વ્હોટ્સઅપ દ્વારા એક અશ્લીલ અને અભદ્ર મેસેજ પણ મોકલ્યો હતો. ગિફ્ટ સિટીના સૂત્રોએ કહ્યું હતું કે, શરૂઆતમાં આ મહિલા કર્મચારીઓએ પોતાના ઉચ્ચ અધિકારીઓ સાથે સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો તેમ છતાં ઉચ્ચ અધિકારીનું અશ્લીલ અને અભદ્ર વર્તન ચાલું જ રહ્યું હતું. મહત્ત્વની વાત તો એ છે કે, આ મહિલા કર્મચારીઓને પરેશાન કરનાર અધિકારીએ કોઇ સરકારી કર્મચારી નથી, પરંતુ કોન્ટ્રેક્ટ ઉપર લેવાયેલો કર્મચારી છે. બંને મહિલાઓએ આરોપ મૂક્યો હતો કે, તેમનો ઉચ્ચ અધિકારી અવાર-નવાર ફોન કરીને તેઓને ઓફિસમાં બોલાવતો હતો અને અશ્લિલ હરકતો કરતો હતો, તેથી તેમણે ઉચ્ચ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી, જેના પગલે તરત જ તપાસ સમિતિની રચના કરાઇ હતી. તપાસ સમિતિએ જવાબદાર અધિકારીને તેનો જવાબ લખાવવા લેખિત જાણ કરી હતી, પરંતુ આશ્ચર્ય તો એ વાતનું હતું કે, તે અધિકારીએ એવો જવાબ આપ્યો હતો કે તે આ આક્ષેપો વિશે કશું જ જાણતો નથી, ઉલ્ટાનું તેણે તો એવો દાવો કર્યો હતો કે તેની જાણ બહાર ઓફિસ કોપી ઉપર તેની સહી લઇ લેવામાં આવી હતી. તેણે વળી એવી પણ દલીલ કરી હતી કે, તે ગુજરાતી વાંચી શકતો નથી તેથી પત્રમાં લખાયેલી વિગતો સમજી શક્યો નહોતો.