રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો, એન્ટ્રી પોઇન્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા અને સ્વચ્છતા પહેલમાં NGO તથા સ્થાનિક સમુદાયોને સામેલ કરવા તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન -ગુજરાત દ્વારા તારીખ 1 જૂન થી તા. 15 જૂન 2024 દરમિયાન નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.
સ્વચ્છ ભારત મિશન અર્બન-ગુજરાત દ્વારા રાજયભરમાં તા.૦૧જુન થી તા ૧૫ જુન દરમિયાન નિર્મળ ગુજરાત અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે.
જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધોળેશ્વર મહાદેવ મંદિર, પંચદેવ મહાદેવ મંદિર, કોટેશ્વર મહાદેવ મંદિર, અક્ષરધામ મંદિર, હનુમાનજી મંદિર(ઝુંડાલ), મહાકાળી માતા મંદિર(વાવોલ), લાલઘર માતા મંદિર(કોલવડા),(પેથાપુર) સુખડેશ્વર માતા મંદિર, (રાંધેજા) વેરાઈ માતા તેમજ ઉમિયા મંદિર, સેક્ટર-૨૭ અને ૨૪માં અંબેમાતા મંદિર, સેક્ટર-૫ મહાકાળી માતા મંદિર, સેક્ટર-૩ સાંઈ બાબા મંદિર, સેક્ટર-૨૮ દત્ત મંદિર, (કુડાસણ) બ્રહ્માણી માતા મંદિર, (ખોરજ) વૈષ્ણોવદેવી મંદિર, સેક્ટર-૧૨ બલરામ મંદિર વગેર જેવાં ધાર્મિક સ્થળો તેમજ અંબાપુર-વાવ વગેરે સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. મ્યુનિ.કમિશનરશ્રી જે.એન.વાઘેલા ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા હતા. તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ પણ જુદાં-જુદાં વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળો ખાતે સફાઈ અભિયાનમાં જોડાયા હતા.