રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં એક પછી એક કૌભાંડ ખૂલતા જાય છે. આ ગેમ ઝોનને લાયસન્સ આપતી ફાઇલ જ ગૂમ કરી દેવાઈ હોવાથી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને આ ફાઈલ મળી શકી નથી, તેમ છતાં હજી શોધખોળ ચાલી રહી છે.મહત્ત્વની ઓફિસ ફાઈલ હજી સુધી તપાસકર્તા અધિકારીઓને નથી મળી
સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું, કે રાજકોટના અગ્નિકાંડમાં હોમાયેલા ગેમિંગ ઝોનને લાયસન્સ આપતી એક મહત્ત્વની ઓફિસ ફાઈલ હજી સુધી તપાસકર્તા અધિકારીઓને મળી શકી નહીં હોવાથી ગૃહ વિભાગમાં ટેન્શનનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ફાઈલ આમ તો પોલીસ કમિશનર ઓફિસની વહીવટી બ્રાન્ચ પાસે હોવી જોઇએ પરંતુ તેને ગૂમ કરી દેવાઈ હોવાની ભિતિ સેવાઈ રહી છે.
લાયસન્સ આપવાની પ્રક્રિયામાં ડીવાયએસપી, ડીસીપી અને છેલ્લે પોલીસ કમિશનર સુધી આ દરખાસ્ત રજૂ થતી હોય છે. આ દરખાસ્ત તૈયાર કરીને લાયસન્સ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા નોંધ કરવામાં આવી હતી, જેમાં લખ્યું હોવાનું કહેવાય છે કે આ દરખાસ્તમાં ઘણી બધી ત્રુટીઓ જણાઈ રહી છે. એટલું જ નહીં આ પ્રકારના ગેમઝોન માટે ફાયર સેફૂટના કોઈ પુરાવા નથી, માટે આપના (પોલીસ કમિશનર) તરફથી યોગ્ય આદેશ થઈ આવવા સાદર રજુ કરાઈ છે. અલબત્ત, તેને તત્કાલીન પોલીસ કમિશનર દ્વાર મંજૂર કરી દેવાઈ હતી. અલબત્ત, સ્થળ સ્થિતિ પર કાયદાનો છડેચોક ભંગ કરાયો હોવા છતાં તેને કેવી રીતે મંજૂરી આપી શકાય? તે પણ એક પ્રશ્ન છે.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ઈન્સ્પેક્ટરની પુછપરછ કરીને તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે, જો કે તેમણે રજૂ કરેલી મૂળ ઓફિસ ફાઈલ પોલીસ કમિશનર ઓફિસમાં મળી શકી નથી તેવું સૂત્રોનું કહેવું છે પરંતુ સીટના અધિકારીઓ દ્વારા ગમે તે રીતે આ ફાઈલ પુરાવા તરીકે જપ્ત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જો આ ફાઈલ મળી જાય તો પણ ઘણાં રહસ્યો બહાર આવી શકે તેમ છે.