વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 બેઠક બોલાવી છે જેમાં દેશ સાથે જોડાયેલા કેટલાક મુદ્દા પર ચર્ચા થવાની છે. વડાપ્રધાન તરફથી બેઠકનું આયોજન એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે લોકસભા ચૂંટણી શનિવારે પૂર્ણ થઇ છે. ચૂંટણીના પરિણામ 4 જૂને આવવાના છે. એક્ઝિટ પોલમાં ભાજપના નેતૃત્વ ધરાવતા NDAને પ્રચંડ બહુમત મળતું જોવા મળી રહ્યું છે. ચૂંટણીના પરિણામ પહેલા પીએમ મોદી એક્શન મોડમાં આવી ગયા છે.
સરકારના સુત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે, પીએમ મોદી ચક્રવાત રેમલ બાદની સ્થિતિ અને પૂર્વોત્તર રાજ્યમાં ઉભી થયેલી પુર જેવી સ્થિતિ પર ચર્ચા કરવાના છે. કેટલાક દિવસ પહેલા આવેલા ચક્રવાત રેમલને કારણે પશ્ચિમ બંગાળથી લઇને પૂર્વોત્તરના રાજ્યમાં નુકસાન જોવા મળ્યું છે. ભલે બંગાળમાં ચક્રવાત રેમલની ટક્કર થઇ પરંતુ તેને કારણે ભારે વરસાદે મણિપુર જેવા પૂર્વોત્તરના રાજ્યમાં પુર જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે.
સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીની અધ્યક્ષતામાં જે 7 બેઠક મળવાની છે તેમાંથી એક બેઠક હીટવેવને લઇને પણ મળશે. કેન્દ્રના સ્તર પર હીટવેવ સામે લડવા માટે શું પ્લાન બનાવવામાં આવે તેના પર ચર્ચા થઇ શકે છે. દેશભરમાં હીટવેવને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.બિહાર, ઝારખંડ, ઓરિસ્સા જેવા રાજ્યમાં કેટલાક લોકોના મોત પણ થયા છે. રાજ્ય સ્તર પર કેટલીક સરકારોએ હીટવેવને લઇને એક્શન પ્લાન પણ તૈયાર કર્યો છે.