રાજકોટમાં TRP ગેમઝોનનાં અગ્નિકાંડ પછી રાજયના નાગરિકોની સલામતીની ચિંતા રાખી સરકારે ફાયર એનઓસી – બિયું પરમિશન સહિતની અન્ય જરૂર મંજૂરી વિનાના એકમો સામે કાર્યવાહીના આદેશો આપી દેવાયા છે. જે અન્વયે GUDA તંત્રની ગાઢ નિંદ્રામાં કોઈપણ પ્રકારની મંજૂરી કે લાયસન્સ વિના શિહોલી મોટીમાં છ મહિનાથી ઝીબ્રાટા મનોરંજન પાર્ક (ગેમઝોન) ચલાવતા કેશાભાઇ જોઇતાભાઈ પટેલ અને તેમની પત્ની તેમજ પુત્ર અને પૌત્ર વિરુદ્ધ ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ અગ્નિકાંડ પછી નાગરિકો અસલામત રીતે રોજીંદી જિંદગી જીવી રહ્યા હોવાની ચિંતા સતાવતા ફાયર એનઓસી વિનાના ગેમઝોન, હોસ્પિટલો, મોલ, સ્કૂલ, કોલેજો, ભોજનાલય સહિતના એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં GUDA તંત્રની ગાઢ નિંદ્રામાં શિહોલી મોટી ગામની સીમના સર્વે નંબર સર્વે નંબર 529 તથા 530 ની જમીન ઉપર નિયમોને નેવે મૂકી કોઈપણ પરવાનગી કે લાયસન્સ વિના ઝીબ્રાટા મનોરંજન પાર્ક (ગેમઝોન) છેલ્લા છ મહિનાથી ધમધમી રહ્યું હતું.
જેની જાણ થતાં GUDA તંત્ર દ્વારા ગેમઝોન સામે જરૂરી કાર્યવાહી કરી સંતોષ માની લેવાયો હતો. બીજી તરફ રાજકોટ અગ્નિકાંડની ગંભીર નોંધ લઈ ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ એસ અસારીએ પોતાની હદ વિસ્તારમાં ચાલતા ગેમઝોન દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી સામે કડક કાર્યવાહી કરવા સ્ટાફને સૂચનાઓ આપવામાં આવેલી હતી.
જેનાં ભાગરૂપે ચીલોડા પોલીસે ઉપરોક્ત ગેમ ઝોનમાં તપાસ કરતા જમીનની માલિકી કેશાભાઇ જોઇતાભાઈ પટેલ, તેમની પત્ની મંગુબેન તેમજ પુત્ર અલ્પેશની હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અલ્પેશનો દીકરો રાજકુમાર ગેમ ઝોન ચલાવતો હોવાની હકીકત પણ બહાર આવી હતી. આ ગેમઝોન કોઈપણ પરવાનગી કે લાયસન્સ વિના જ છ મહિનાથી શરૂ કરી દેવાયો હતો.
તદુપરાંત ચિલોડા પોલીસ સ્ટેશન ખાતે પણ કોઇ પ્રકારની જાણ કરવામાં આવી નહતી. આ ગેમ ઝોનમાં આવતા લોકોનું માનવ જીવન તેમજ સલામતી જોખમાય તે રીતે ચલાવવામાં આવતો હોવાનું પણ તપાસમાં આવતાં ચીલોડા પોલીસે ઉક્ત પટેલ પરિવારના ચારેય સભ્યો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.