દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચગાળાના જામીન પૂર્ણ થયા બાદ આજે તિહાર જેલમાં સરેન્ડર કર્યું છે. સુપ્રીમ કોર્ટે તેમને ચૂંટણી પ્રચાર કરવા માટે 21 દિવસના વચગાળાના જામીન આપ્યા હતા. જેલમાં સરેન્ડર કર્યા પહેલા કેજરીવાલે આજે રાજઘાટ જઈને ગાંધી બાપૂને શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ તેમને કનૉટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમને પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓને સંબોધિત કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે એક્ઝિટ પોલથી ગભરાવાની જરૂર નથી. તમને વિશ્વાસ છે કે અમે જીતી રહ્યા છીએ. આ ચૂંટણી દેશ અને લોકશાહીને બચાવવાની છે. એક્ઝિટ પોલ અંગે કેજરીવાલે કહ્યું કે આ તમામ પોલ નકલી છે. કારણ કે ભાજપને વધુ બેઠકો આપવી પડશે તેવું ઉપરથી કહેવામાં આવ્યું હશે. કેજરીવાલે કહ્યું કે ત્રણ દિવસ પહેલા નકલી એક્ઝિટ પોલ કરાવવાની શું જરૂર હતી. તેમને કહ્યું કે એક્ઝિટ પોલ પર વિશ્વાસ ન કરો. સીએમ કેજરીવાલે કહ્યું કે હું જેલમાં જઈ રહ્યો છું, મને ખબર નથી કે હું ક્યારે પાછો આવીશ. પરંતુ મારા લોહીનું દરેક ટીપું દેશ માટે છે. તેમને કહ્યું કે હું દેશને બચાવવા માટે જેલમાં જઈ રહ્યો છું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સરેન્ડર કર્યા પહેલા નિવાસસ્થાને માતા-પિતાના આર્શિવાદ લીધા હતા. ત્યારબાદ તેઓ સીધા રાજઘાટ પહોંચ્યા હતા. તેમણે અહીં મહાત્મા ગાંધીની સમાધી પર શ્રદ્ધાંજલી અર્પી હતી. ત્યારબાદ તેમણે હનુમાન મંદિરો પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેમની સાથે તેમના પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, આતિશી માર્લેના સહિત આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેજરીવાલે આજે બપોરે ટ્વિટ કરીને જણાવ્યું કે, તેઓ બપોરે ત્રણ કલાકે તિહાર જેલમાં આત્મસમર્પણ કરશે. તેમણે કહ્યું હતું કે, તેઓ જેલ જતા પહેલા રાજઘાટ અને હનુમાન મંદિર જશે. તેમણે પોસ્ટમાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેઓ ચૂંટણી પ્રચાર માટે 21 દિવસ બહાર આવ્યા હતા. આ સાથે તેમણે દેશની સર્વોચ્ચ અદાલતનો આભાર વ્યક્ત કર્યો છે.
આ પહેલા અરવિંદ કેજરીવાલે આજે સરેન્ડર કર્યા પહેલા નિવાસસ્થાને માતા-પિતાના આર્શિવાદ લીધા હતા. ત્યારબાદ તેઓ સીધા રાજઘાટ જવા નિકળ્યા હતા.
આ પહેલા દિલ્હીની એક કોર્ટે શનિવારે કેજરીવાલની સાત દિવસની વચગાળાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીમાં આરોગ્ય સંબંધિત કારણો દર્શાવીને જામીનની માંગણી કરાઈ હતી. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ અરજીની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. આ મામલે પાંચમી જૂને ચુકાદો સંભળાવાશે.