દુનિયામાં ઘણી એવી રહસ્યમય જગ્યાઓ છે જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. આ જગ્યાઓ પર એવી અજીબોગરીબ વસ્તુઓ છે જેના કોયડા વૈજ્ઞાનિકો પણ ઉકેલી નથી શકતા, તેમાં મેક્સિકોનું એક ગામ પણ સામેલ છે. આ ગામમાં જ્યારે બાળકોનો જન્મ થાય છે, ત્યારે તે સ્વસ્થ હોય છે, પરંતુ થોડા દિવસો પછી તેઓ તેમની આંખોની રોશની ગુમાવે છે. આ અજીબોગરીબ બાબતને કારણે આ ગામને પ્રજ્ઞાચક્ષુઓનું ગામ કહેવામાં આવે છે.
મેક્સિકોના ટિલ્ટપેક ગામને અંધ લોકોના ગામ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામમાં માણસોથી લઈને પ્રાણીઓ સુધી દરેક વ્યક્તિ અંધ છે. દુનિયાનું આ એકમાત્ર એવું ગામ છે જ્યાં માત્ર અંધ લોકો જ રહે છે. આ કોઈ કહાની નથી, પરંતુ હકીકત છે. આ ગામમાં ઝેપોટેક જનજાતિના લોકો રહે છે. જ્યારે પણ કોઈના ઘરે બાળકનો જન્મ થાય છે, ત્યારે તે સ્વસ્થ હોય છે અને જોઈ પણ શકે છે, પરંતુ થોડા દિવસોમાં તેની આંખોની રોશની જતી રહે છે. માત્ર બાળકો જ નહીં પરંતુ પ્રાણીઓના બચ્ચાઓ પણ આમાં સામેલ છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ ગામમાં એક પ્રકારની ઝેરી માખી મોટી સંખ્યામાં જોવા મળે છે. જ્યારે આ માખી બાળકને કરડે છે, ત્યારે તે અંધ બની જાય છે. જ્યારે મેક્સિકન સરકારને આ ગામ વિશે જાણ થઈ, ત્યારે તેઓ ગામના લોકોની મદદ માટે આગળ આવ્યા. જો કે, તેમના કોઈ પ્રયાસો કામ લાગ્યા નહીં, જ્યારે ગામના લોકોને અન્ય જગ્યાએ ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો આ લોકોને ત્યાંનું વાતાવરણ અનુકુળ ના આવ્યું. આ લોકો આ ગામ સિવાય બીજે ક્યાંય સ્ળાંતરિત થઈ શકતા નથી.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઝેરી માખીના કરડવાથી આવું થાય છે. આ માખી તેમના શરીરમાં એક પ્રકારના કીટાણુ છોડે છે જે શરીરમાં ફેલાઈ જાય છે અને તેમની આંખોમાંથી મગજમાં જતા સિગ્નલને રોકે છે. જેના કારણે લોકોને દેખાતું બંધ થઈ જાય છે. જો કે, હવે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને આ પ્રજાતિને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે.
લોકોનું માનવું છે કે અંધ થવા પાછળનું કારણ ગામમાં રહેલું એક શ્રાપિત વૃક્ષ છે. જે આ ગામમાં ઘણા વર્ષોથી છે. તેઓ માને છે કે જે પણ આ ઝાડને જુએ છે તે અંધ થઈ જાય છે. જો કે ઘણા લોકો તેને માત્ર અંધશ્રદ્ધા માને છે.