અમદાવાદથી 9 જેટલા મિત્રો ગળતેશ્વર ફરવા માટે આવ્યા હતા. તે દરમિયાન ગળતેશ્વરની મહીસાગર નદીમાં નહાવા આવેલા પૈકી ચાર મિત્રો ડૂબ્યા હતા. જે બાદ ઘટનાસ્થળે ઉપસ્થિત સ્થાનિક તરવૈયાઓએ 4 માંથી એકનો જીવ બચાવી લીધો હતો. જોકે, ત્રણના ખાલી મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સેવાલિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે.
ખેડા જિલ્લાના ગળતેશ્વર નજીકની મહીસાગર નદી એટલે પિકનિક પોઈન્ટ ગણાય છે. ત્યારે ગતરોજ રવિવારે અમદાવાદથી આવેલા 9 લોકો પૈકી કેટલાક મિત્રો ગળતેશ્વર નદીના નહાવા ઊતરતા ડૂબ્યા હોવાની ઘટના બની છે. જે પૈકી એકનો મૃતદેહ રવિવારે તો અન્ય બેના મૃતદેહ આજે મળી આવ્યા હતા. જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા 9 જેટલા મિત્રોનું
ગ્રુપ રવિવારે ખેડા જિલ્લાના ગળતેશ્વર પંથકમાં આવ્યું હતું.
આ દરમિયાન આ ગ્રુપના કેટલાક સભ્યો ગળતેશ્વર નજીકથી
પસાર થતી મહીસાગર નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જે
પૈકી ગ્રૂપનો એક સભ્ય મહીસાગર નદીમાં ડૂબવા લાગ્યો
હતો. જેથી સાથી મિત્રોએ મદદ કરતા એક બાદ એક એમ
કુલ ચાર મિત્રો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી
સ્થાનિક તરવૈયાઓએ એક યુવકને બચાવી લીધો હતો.
જ્યારે ગતરોજ એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ
પાણીમાં લાપતા બનેલા અન્ય બે ના મૃતદેહો પણ આજે
મળી આવ્યા હતા. જે ત્રણેય લોકોના મૃતદેહોને સ્થાનિક
તરવૈયાઓએ બહાર કાઢ્યા છે. સેવાલીયા પોલીસે બનાવ
સ્થળે દોડી આવી તમામના મૃતદેહને પીએમ અર્થે રવાના
કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગઈકાલે બપોરે
બની હોવાનું સામે આવ્યું છે.
પોલીસે કિરીટ ચાવડા (રહે.સુખીની મુવાડી, ગળતેશ્વર)ની જાણના આધારે અપમૃત્યુની નોધ કરી છે. પોલીસ તપાસમાં ગતરોજ જેનો મૃતદેહ મળી આવેલો તેની ઓળખ થઈ નહોતી. જ્યારે લાપતા બનેલા અન્ય બે લોકોના મૃતદેહ આજે મળી આવતાં પોલીસે તેઓની ઓળખ કરતા મરણજનાર હિતેશભાઈ મહેશભાઈ ચાવડા (ઉ.વ.39, રહે.ખોખરા, અમદાવાદ) અને અન્ય સુનિલ કુશવાહ (રહે.વટવા, અમદાવાદ) હોવાનું સામે આવ્યું છે. આ તમામ મૃતદેહોને પીએમ માટે સેવાલીયા સરકારી દવાખાને લવાયા છે.
આ બનાવ સંદર્ભે સેવાલીયા પીએસઆઇ એમ.એચ.રાવલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, તીવ્ર ગરમી હોય ગતરોજ આ ગ્રુપના લોકો બે જુદીજુદી રીક્ષામાં બેસી અમદાવાદથી ગળતેશ્વર આવ્યા હતા. જ્યાં 4 મિત્રો ન્હાવા માટે નદીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ઘટના બની છે. જેમાં મરણજનાર બે વ્યક્તિઓની ઓળખ થઈ છે અને ત્રીજાની હાલ કરવામાં આવી છે જેમાં ત્રીજા વ્યક્તિનું નામ પ્રદીપ વાઘેલા (રહે.અમદાવાદ) હોવાનું જાણવા મળ્યું છે. જે સંદર્ભે અપમૃત્યુની નોંધ પણ કરાઈ છે. હાલ પીએમની કાર્યવાહી ચાલુ છે જે બાદ મૃતદેહોને તેમના સ્વજનોને સોંપવામાં આવશે.