વડોદરામાં દુમાડ ચોકડી પાસે આવેલી એક હોટેલમાં અમદાવાદના વેપારીએ આપઘાત કરી લીધો હતો. આર્થિક સંકડામણને પગલે તેમણે આ પગલું ભર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ કેસમાં આપઘાત કરનારા વેપારીને અમદાવાદની જના સ્મોલ ફાયનાન્સના રિકવરી એજન્ટો, તથા વ્યજખોર પિતા પુત્ર સહિત ચાર જણા પરેશાન કરતા હતા. આથી આ તમામ શખ્સો સામે આપઘાત કરવા મજબુર કરવાનો ગો મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
આ વેપારીએ આપઘાત માટે આર્થિક સંકડામણનું કારણ અને દિકરાને આઈપીએસ બનવા માટે સુસાઈડ નોટમાં જણાવ્યું છે.
વડોદરાના દુમાડ-ગોલ્ડન ચોકડી પાસે તુલિપ હોટેલમાં આ બનાવ બન્યો હતો. જેમાં બોપલમાં હાર્મોની એવલ વુડ્સ ટાઉનશીપમાં રહેતા 46 વર્ષીય મહાવીરસિંહ એચ.સરવૈયાએ હોટેલના રૂમમાં ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કર્યો હતો. આ અંગે હોટેલના સ્ટાફે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. બાદમાં મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના પરિવારજનોને જાણ કરાતા તેઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.
મહાવીરસિંહે 10 પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે કોરોના સમયે ધંધો ઠપ થઈ જતા તે આર્થિક ભીંસમાં મુકાઈ ગયા હતા. તેમણે બેન્કોમાંથી પણ ધિરાણ લીધું હતું. લોન ભરપાઈ કરી દીધી હોવાછતા લેણદારો ઉઘરાણી કરતા તે ત્રાસી ગયા હતા.
આ અંગે મંજુસર પોલીસે આપઘાત કરવા માટે મજબૂર કરનારા અમદાવાદ જના ફાયનાન્સ રિકવરી કરનારા ઉપરાંત વ્યાજખોર પિતા પુત્ર શાહર આઈ.દેસાઈ તેનો પુત્ર વિશાલ સાહર દેસાઈ, મકાનના બાનાખત કરી લેનારા જયેશ વી.પટેલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.