લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા 2,36,930 મતોથી લીડથી આગળ ચાલી રહ્યા મળી છે. જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ પરશોત્તમ રૂપાલાને અભિનંદન આપ્યા છે. જણાવી દઈએ કે, પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે હોબાળો જોવા મળ્યા હતો.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે. આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની ન હતા, આ વિચારધારાની અને દેશના સંવિધાનને બચાવવાની આ લડાઈ હતી અને સત્તામાં બેઠેલા લોકોનો અહંકાર ઓગાળવાની આ લડાઈ હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજકોટ સહિત દેશમાં સકારાત્મક પરિણામો આવશે, સત્તાનું પરિવર્તન થશે. જો કોંગ્રેસ જીતશે તો મંદી, મોંઘવારી, અત્યાચાર, બેરોજગારી હારશે. જો ભાજપ જનાર્દેશ મેળવવામાં સફળ થઈ તો આવનારા 5 વર્ષ આ દેશ માટે ખૂબ જ કપરા હશે. તે જીતશે તો સત્તાનો અહંકાર રાખશે. દેશ 2004ના પરિવર્તનનું પુનરાવર્તન કરવા જઈ રહી છે.
કાઉન્ટિંગ સ્થળ પર પરેશ ધાનાણી અને પરશોત્તમ રૂપાલાએ એક સાથે ફોટો પાડ્યા હતા અને એક બીજાને અભિનંદન પણ આપ્યા હતા. જણાવી દઈએ કે, રાજકોટની બેઠક ભાજપ માટે એક માથાનો દુખાવો બની ગયો હતો. એક કાર્યક્રમ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં તેમના વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો હતો. જેને લઈને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ જેને લઈને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. આ આંદોલનને લઈને લાગી રહ્યું હતું કે, પરશોત્તમ રૂપાલાની કારમી હાર થશે, પરંતુ હાલ તેઓને 2 લાખથી વધુની લીડ મળી છે.
જણાવી દઈએ કે, આ ચૂંટણી પરિણામ નક્કી કરશે કે દેશમાં ફરી ત્રીજી વખત NDA સરકાર આવશે કે પછી INDIA ગઠબંધનની સરકાર આવશે. 542 બેઠક પર યોજાયેલી ચૂંટણી પરિણામમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે, NDA 400 પાર બેઠકો મેળવશે. જોકે, સામે INDIA ગઠબંધન દ્વારા પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની સરકાર બની રહી છે. ત્યારે 7 ચરણોનો મતદાન બાદ કોનું ત્રાજવું ભારે છે, તે આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે. આ સાથે દેશમાં કોની સરકાર બનશે તે પણ સામે આવી જશે.