મૂળ નેપાળની અને વર્ષોથી રાજકોટમાં રહેતી રિયા (નામ બદલાવેલ છે) ને તેના સાવકા પિતાએ રૂ.50 હજારમાં મુંબઈમાં એક વૃદ્ધને વેચી દીધી હતી. આ વૃદ્ધ સગીરાને બિહાર લઇ જતા હતા ત્યારે તે બહાનું બતાવીને ત્યાંથી રાજકોટની ટ્રેનમાં આવી ગઈ. રાજકોટ પહોંચ્યા બાદ જંક્શન પર એકલી બેઠા બેઠા રડતી હતી ત્યારે ત્યાંથી પસાર થતા એક દંપતીએ તેને સહાનુભૂતિ બતાવી પોતાની ઘરે લઇ જઈને તેને લોહીના વેપારમાં ધકેલી દીધી હતી. જે દંપતી સગીરાને પોતાના ઘરે લઇ ગયા ત્યાં તેને ગોંધી રાખતા હતા અને 20થી 30 વર્ષની ઉંમરના યુવકો સામૂહિક દુષ્કર્મ આચરતા હતા. સમગ્ર બાબતની જાણ 181 ટીમને થતા તેને સગીરાને નર્કાગારમાંથી બચાવીને કુવાડવા પોલીસને જાણ કરી છે.
આ અંગે વધુ માહિતી આપતા 181 ટીમના કાઉન્સેલર શિલ્પાબેન પરમારે જણાવ્યું હતું કે, રિયા નામની સગીરા અને તેના પરિવારજનો 15 વર્ષથી રાજકોટ રહે છે. સગીરાના પિતાનું અવસાન થયા બાદ તેની માતાએ બીજા લગ્ન કરી લીધા હતા. 6થી 7 મહિના પહેલાં તેની માતાનું અવસાન થયું હતું. સાવકા પિતા તેને ગત સપ્તાહે ફરવા જવાનું છે તેમ કહીને મુંબઈ લઈ ગયા. જ્યાં તેને રૂ.50 હજારમાં એક વૃદ્ધને વેચી દીધી. આ વૃદ્ધ તેને બિહાર લઈ જતા હતા.
રસ્તામાં ટ્રેન ઊભી રહેતા સગીરા બહાનું કરીને વૃદ્ધની ચુંગાલમાંથી ભાગી ગઈ અને રાજકોટ આવતી ટ્રેનમાં બેસી ગઇ હતી. જે દંપતીએ તેને સહાનુભૂતિ બતાવીને પોતાના ઘરે લઇ ગયા તે વાલી-વારસદાર વગરની દીકરી-છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હોવાનું જાણવા મળ્યું છે. દંપતી રિયાને ઘરે લઈ ગયા બાદ તેને તૈયાર થવાનું કહ્યું અને તેના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા અને યુવકોને તેના ઘરે બોલાવતા હતા. જો રિયા કોઈ આનાકાની કરે તો તેને ચપ્પુ બતાવીને તેના પર હુમલો કરાવતા હતા. જેના શરીર પર નિશાન પણ જોવા મળતા હતા. સગીરાને ઘરમાં જ રાખતા હતા અને બહારથી તાળું મારી દેતા હતા. આ ઉપરાંત તેનો મોબાઈલ પણ સંતાડીને રાખતા હતા. રિયાને સતત 5 દિવસ સુધી પોતાના ઘરમાં ગોંધી રાખી હતી.
રિયા પર સામૂહિક દુષ્કર્મ થતા તે હતપ્રભ થઈ ગઈ હતી. જ્યારે દંપતી ઘરમાં નહોતું ત્યારે તે તકનો લાભ લઇને ઘરમાંથી ભાગી નીકળી. બાજુની વિંગમાં પહોંચી ગઈ. બાજુની વિંગમાં પહોંચ્યા બાદ બહાર રમતા બાળકની મદદ લીધી અને તેને કહ્યું કે, તારા માતા-પિતાને મળવું છે. તેને ઝડપથી બોલાવી આપો. શરૂઆતમાં રિયા હતપ્રભ રહેતા કલાકો સુધી કશું બોલી ના શકી. આથી, પાડોશીએ 181ને જાણ કરી. ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ અભયમની ટીમે રિયા સાથે વાત કરી અને સમગ્ર આપવીતી જણાવી.અભયમની ટીમ સાથે વાતચીતમાં રિયાએ જણાવ્યું હતું કે, તેની બે બહેન મોટી છે અને તેના લગ્ન થઈ ચૂકયા છે.જ્યારે તે પોતાના સાવકા પિતા અને માતા સાથે રહેતી હતી. દંપતી રિયાને લોહીનો વેપાર કરાવતા હતા અને પૈસા પણ પોતાની પાસે રાખી લેતા હતા.અભયમની ટીમે પાડોશી સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે, જે યુવકો આવતા હતા તે મોઢા પર રૂમાલ-કપડું બાંધીને આવતા હતા. આખો દિવસ ઘરની બહાર તાળું મારીને રાખતા હતા.