દેશમાં બાળલગ્ન પર અદાલતે કડક પ્રતિબંધ મૂક્યો છે. તે જ બાળલગ્ન કરનાર સહિત તેને પ્રોત્સાહન આપનાર વ્યક્તિ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. 18 વર્ષની નીચેના છોકરા છોકરીઓના લગ્ન કરવા પર પ્રતિબંધ છે. તેમ છતાં દેશના ગુજરાત અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં બાળલગ્નની પ્રથા શરૂ જ છે. તાજેતરમાં ગુજરાતના અમદાવાદથી એવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજસ્થાનના એક પરિવારે તેમના દીકરાના લગ્ન માટે એક 15 વર્ષની સગીરાને ખરીદી હતી.
ગુજરાતના અમદાવાદમાં એક 15 વર્ષ સાત મહિનાની સગીર યુવતીને રાજસ્થાનના એક પરિવારે આઠ લાખ રૂપિયામાં ખરીદી હોવાની ઘટના બની છે. આ ઘટનામાં ઉલ્લેખનીય વાત એ છે કે સગીરાની માતાએ દીકરી લાપતા થઈ જવાની પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. દીકરી ગુમ થઈ જવાની ફરિયાદ મળતા જ વટવા પોલીસે તરત જ એક્શનમાં લઈને આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની ધરપકડ બાદ આરોપીને અમદાવાદમાં લાવતા તેણે અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં પોતાના જામીનની અરજી મૂકી હતી. જો કે અદાલતે આરોપીના જામીન નકારી કાઢ્યા હતા,જેથી તેણે પોતાના જામીનની અરજી માટે હાઈ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ હાઈ કોર્ટે પણ આરોપીને ચાર્જશીટ દાખલ થયા પહેલાં જામીન આપવા માટે મનાઈ કરી હતી. જેથી હવે આ મામલો હાઇકોર્ટ સુધી જતાં તેને લઈને હવે રાજ્યમાં નવો હોબાળો મચ્યો છે.
આ મામલે માહિતી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે રાજસ્થાનનો એક પરિવાર તેમના પુત્રના લગ્ન કરાવવા માટે કોઈ છોકરી શોધી રહ્યા હતા. આ દરમિયાન ઇડરના બાબુસિંહ નામના એક વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યા હતા. બાબુસિંહે પોતાની દીકરીને આરોપી સાથે પરણાવવાની વાત નક્કી કરી હતી. જેમાં માટે તેણે રાજસ્થાનના પરિવાર પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા અને તે બાદ આરોપી અને સગીર યુવતીના લગ્ન ઇડરમાં કરાવવામાં આવ્યા હતા.
આ આખી ઘટનાનો ભાંડફોડ ત્યારે થયો જ્યારે નવ પરણિત સગીરાએ રાજસ્થાન પહોંચીને તેના પતિને કહ્યું કે બાબુસિંહ તેના પિતા નથી અને તે 15 વર્ષની જ છે. તેમ છતાં આરોપીએ પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે. ત્યારબાદ પીડિત સગીરાએ તેની મોટી બહેનને ફોન કરીને આખો કિસ્સો કહ્યો હતો. આ વાત જાણીને પીડિતાની માતાએ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં તેમની દીકરી લાપતા થયા હોવાની ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે આ મામલે તરત જ કાર્યવાહી કરીને આરોપીને રાજસ્થાનથી પકડી લીધો હતો. આ સાથે પોલીસને જાણવા મળ્યું કે આરોપીએ સગીરા સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા.
આ ઘટના બાદ પોલીસે સગીર પીડિતાને આરોપીના કેદમાંથી મુક્ત કરવી તેના પરિવારથી મળાવી હતી. આ મામલે હવે પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ આરોપી સહિત બીજા લોકો સામે પણ ગુનો દાખલ કર્યો છે. પોતાની ધરપકડ બાદ આરોપીએ જામીન અરજી કરી હતી જેથી તેના વકીલે અદાલતમાં દલીલ કરતાં કહ્યું હતું, કે આરોપીનો ગુનો એટલો જ કે તેણે એક સગીરા સાથે શારીરિક સબંધો બાંધ્યા છે. આરોપી અને તેના પરિવાર સાથે ખોટું બોલીને બાબુસિંહે છેતરપિંડી કરી છે. હાઇકોર્ટ પાસે જામીન અરજી કરતાં કોર્ટે તે ફગાવી કાઢી હતી અને કહ્યું હતું કે આરોપીએ એક સગીરાની ખરીદી કરી છે અને આ આધારે તેને કોઈપણ જામીન આપવામાં આવશે નહીં.