એક તરફ દેશ અને ગુજરાત ડિજિટલ ક્રાંતિમાં હરણફાળ ભરી રહ્યો છે અને સરકાર પણ સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે ઘણા લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવાના અને કરોડો કમાઈ લેવાના અભરખા હોય છે. જે ખોટું નથી પણ ઘણા લોકો ખોટી વ્યક્તિ પર વિશ્વાસ કરી કરીને પોતાની પરસેવાની કમાણી ગુમાવતાં હોય છે. આવો જ કિસ્સો અમદાવાદના એક મહિલા સાથે બન્યો છે.મહિલા સાથે કેટરિંગ અને રેસ્ટોરન્ટના વ્યવસાયના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પોતાની સાથે કરોડોની ઠગાઇ થયાની ફરિયાદ દાખલ કરી છે. મહિલાની ફરિયાદ છે કે એક મહિલા સહિત કુલ ત્રણ શખ્સોએ તેમની પાસેથી રેસ્ટોરન્ટ અને કેટરિંગના વ્યવસાયના નામે 1.24 કરોડ રૂપિયા લીધા હતા. જોકે, વ્યવસાયના બહાને લીધેલા પૈસા આ શખ્સો દ્વારા પરત કરવામાં ન આવતા આખરે મહિલાને પોતાની સાથે ઠગાઇ થયાનો અહેસાસ થતાં આખરે તેમણે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.
મહિલાની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા એક મહિલા સહિત ત્રણ શખ્સો વિરુદ્ધ 1.24 કરોડની છેતરપિંડી આચારવાની ફરિયાદ દાખલ કરી છે. પોલીસ રુપલ ઘીયા, રાહુલ ઘીયા અને રાજેશ ઠક્કર વિરુધ ફરિયાદ દાખલ કરી છે. મહિલાનો આ ત્રણેય શખ્સો વિરુદ્ધ આરોપ છે કે તેમણે પહેલા વ્યવસાય શરૂ કરવા માટે કરોડો રૂપિયા લઈ લીધા અને બાદમાં લીધેલા પૈસા પરત કરવામાં ઠાગાઠૈયા કરવા લાગ્યા હતા. પોતાના પૈસા પરત ન મળતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. મહિલાની ફરિયાદને આધારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.