રાજકોટ TRP અગ્નિકાંડ મામલે અનેક ખુલાસા થઈ રહ્યાં છે. SITની તપાસમાં સામે આવ્યું છે કે, TRP ગેમ ઝોનમાં ફેબ્રિકેશનનું કામ ચાલુ હતું. વેલ્ડિંગ સમયે ફોમસિટના જથ્થા પર તણખલા પડતા આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયર સેફ્ટીના સાધનો અને પાણીની વ્યવસ્થા હતી નહી જેથી મોટી દૂર્ઘટના સર્જાઈ.
SITના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, TRP ગેમઝોનનું સ્ટ્રકચર ફેબ્રિકેશન અને લોખંડના પતરાનું બનાવવામાં આવેલું હતુ. જ્યારે તાપમાન નિયંત્રણ માટે પતરાની દીવાલ સાથે ફોમ સીટનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો હતો. ગેમઝોનના બોલિંગ એરિયા અને ટ્રેમ્પોલિંગ પાર્કમાં કન્ટ્રક્શનમાં પ્લાસ્ટિક અને લાકડાનું પણ વધુ માત્રામાં ઉપયોગ થયેલો હતો.
જે તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આમ પતરા, લાકડા અને પ્લાસ્ટિકની વધુ પ્રમાણમાં હોવાના કારણોસર ગેમ ઝોનમાં આગ લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ થયું હતું. ગેમ ઝોનમાં લગાવવામાં આવેલી લાઈટો પણ આગ લાગતા સમયે ધડાકાભેર ફૂટી હતી. આપને જણાવી દઈએ કે, આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ 18 વર્ષથી નીચેના સગીર હોવાનું ખૂલ્યું છે.