શહેરમાં સૌથી વધુ પોલીસ સાથે લોકોને ઘર્ષણ થતું હોય તો તે ટ્રાફિક પોલીસ સાથે થતું હોય છે. ત્યારે સરળતાથી ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને લોકોને ટ્રાફિક પોલીસથી કોઇ કનડગત ન થાય તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાએ અનોખી પહેલ કરી છે. જિલ્લા પોલીસ વડાએ બોડી વોર્ન કેમેરાથી સજજ હોય તે જ ટ્રાફિકનો દંડ લઇ શકે તેવું નક્કી કરવામાં આવ્યું છે.આ નિર્ણયને કારણે લોકોને રાહત મળી છે અને જાતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરતા થઇ ગયા છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમશેટ્ટીએ ચાર્જ સંભાળ્યા બાદ તેમણે સરળતાથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે કવાયત હાથ ધરી હતી. ત્યારબાદ તેમણે જે અધિકારી હોય અને બોડી વોર્ન કેમેરાથી સજ્જ હોય તે જ ટ્રાફિકનો દંડ લઇ શકે તેવું ફરમાન કર્યું હતું. આ ફરમાનને કારણે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લામાં ટ્રાફિકના નિયમોનું સરળતાથી પાલન થતું થઇ ગયું છે. ટ્રાફિક પોલીસ પણ જિલ્લા પોલીસ વડાના ફરમાનને કારણે લોકો સાથે ઘર્ષણ ન થાય અને તેઓ સારી રીતે ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે પ્રકારના પ્રયાસો કરી રહી છે.
આ અંગે ટ્રાફિકના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ નિર્ણયને કારણે હાલ કોઇની પાસે મેમો બુક નથી. જો કોઇ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો તેને સમજાવવામાં આવે છે અને બોડી વોર્ન કેમેરા હોય તે જ પોલીસ કર્મચારી દંડ ફટકારી શકે છે. આ નિર્ણયને કારણે કેટલાક ટ્રાફિક કર્મીઓ લોકો પાસે ખોટી રીતે ડરાવી ધમકાવી નાણાં પડાવતા હતા તે બંધ થઇ ગયું છે.
હું ગાંધીનગર આવ્યો ત્યારથી મને કોઇ ટ્રાફિક પોલીસની ભ્રષ્ટાચાર કે અન્ય ફરિયાદ મળી ન હતી. પરંતુ લોકોને રાહત મળે, સરળતાથી ટ્રાફિક નિયમન થાય અને પોલીસ સાથે ઘર્ષણ ન થાય તે માટે અધિકારી હોય અને બોડી વોર્ન કેમેરા હોય તે જ દંડ લઇ શકે તેવું નક્કી કર્યું છે. – રવિ તેજા વાસમશેટ્ટી, ડીસીપી, ગાંધીનગર